મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધીમાં કોરોનાના 11 લાખ કેસનો ભય

મુંબઇ સહિતના વિસ્તારોમાં વધુને વધુ બાળકો સંક્રમિત બનવા લાગતા ચિંતા વધી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.8
દેશમાં કોરોના સંક્રમણના બીજા તબકકામાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યુ છે અને દેશમાં જેટલા પોઝીટીવ કેસ નોંધાય છે તેમાં પ0 ટકા મહારાષ્ટ્રમાંથી નોંધાતા હોવાથી 30 એપ્રીલ સુધીમાં ફકત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 11 લાખથી વધુ કેસ થઇ જવાનો ભય વ્યકત કરવામાં આવ્યો છે. જયારે રાજયમાં બાળકોમાં પણ સંક્રમણનો દર વધી રહયો છે તે પણ એક ચિંતાની નિશાની છે. દેશમાં કોરોનાના બીજી લહેરમાં જે ડબલ મ્યુટેશનની સ્થિતી છે તેના કારણે સંક્રમણ અત્યંત ઝડપથી વધી રહયુ છે અને મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ નંબરે છે. રાજયમાં કોરોનાના દર્દીઓને સમાવવા માટે હોસ્પીટલ બેડ, ઓકસીજન વગેરેની પણ તંગી છે અને હવે વેકસીન મુદે પણ મહારાષ્ટ્ર એ કેન્દ્ર દ્વારા પુરતા ડોઝ ન અપાતા હોવાનો આરોપ મુકયો છે. હાલમાં જ એક રીપોર્ટ મુજબ આ ગતીએ કેસ વધતા રહે તો મહારાષ્ટ્રમાં 30 એપ્રીલ સુધીમાં 11 લાખ પોઝીટીવ કેસ હશે તો બીજી તરફ મુંબઇમાં અનેક વિસ્તારોમાં પણ બાળકોમાં સંક્રમણ વધ્યુ છે. ઘાટકોપરમાં બાળકોની હોસ્પીટલ ધરાવતા ડો. બકુલ પારેખના કહેવા મુજબ તેમની હોસ્પીટલમાં એક જ દિવસથી 1 થી 7 વર્ષની ઉંમરના 6 બાળકોને કોરોનાના કારણે દાખલ કરાયા છે. જેમાં આ બાળકોને ડાયેરીયા સહીતની તકલીફ છે તથા તાવ અને શ્ર્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. મુંબઇમાં ગઇકાલે 104ર8 નવા કેસ બહાર આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ