કોલકત્તાએ હૈદરાબાદને 10 રને હરાવ્યું: મેન ઓફ ધ મેચ નિતિશ રાણાએ શાનદાર 80 રન ફટકાર્યા

(પ્રતિનિધિ દ્વારા) ચેન્નઈ, તા.11
સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2021ની ત્રીજી મેચમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 10 રને હાર્યું હતું. 188 રનનો પીછો કરતા હૈદરાબાદની ટીમ 5 વિકેટે 177 રન જ કરી શકી હતી. તેમના માટે જોની બેરસ્ટો અને મનીષ પાંડેએ ફિફટી મારી હતી, પરંતુ ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યા નહોતા.
કોલકાતાએ હૈદરાબાદ સામે જીતની હેટ્રિક લગાવી છે. ગઈ સીઝનમાં કોલકાતાએ બંને મેચમાં હૈદરાબાદને માત આપી હતી. લીગની પહેલી મેચ નાઈટ રાઈડર્સે 7 વિકેટે અને બીજી મેચ સુપર ઓવરમાં જીતી હતી.
જોની બેરસ્ટોએ લીગમાં પોતાની છઠ્ઠી ફિફટી ફટકારતાં 40 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. તે પેટ કમિન્સની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર નીતીશ રાણાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને મનીષ પાંડેએ ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી.
ડેવિડ વોર્નર 3 રને પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગમાં કીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તે શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કમિન્સે તેનો કેચ ડ્રોપ કર્યો હતો. જોકે, વોર્નર આ ચાન્સનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. તે પછી રિદ્ધિમાન સાહા 7 રને શાકિબ અલ હસનની બોલિંગમાં બોલ્ડ થયો.
ડેવિડ વોર્નર શૂન્ય રને રમી રહ્યો હતો ત્યારે હરભજન સિંહની બોલિંગમાં પેટ કમિન્સે પોઇન્ટ પર તેનો એકદમ સરળ કેચ છોડ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2021ની ત્રીજી મેચમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 6 વિકેટે 187 રન કર્યા છે. નીતીશ રાણાએ આઈપીએલ કરિયરની 12મી ફિફટી ફટકારતાં 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ ત્રિપાઠીએ લીગમાં છઠ્ઠી ફિફટી ફટકારતાં 53 રન કર્યા હતા. હૈદરાબાદ માટે રાશિદ ખાન અને મોહમ્મદ નાબીએ 2-2 વિકેટ, જ્યારે ટી. નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી.
રાણાની તોફાની ઇનિંગ્સ, નાબીએ ઉપરાઉપરી બે બોલમાં બે વિકેટ લીધી
ઓપનિંગ કરવા આવેલા નીતીશ રાણાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 56 બોલમાં 9 ફોર આને 4 સિક્સની મદદથી 80 રન બનાવ્યા હતા. તે મોહમ્મદ નાબીની બોલિંગમાં વિજય શંકર દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછીના બોલે જ ઓઇન મોર્ગન 2 રને અબ્દુલ સમદ દ્વારા કેચ આઉટ થયો હતો. નાબીએ ઉપરાઉપરી બે બોલમાં બે વિકેટ લઈને હૈદરાબાદની મેચમાં વાપસી કરાવી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે 2021ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ