આઈપીએલ 2021ની પાંચમી મેચમાં મુંબઈએ કોલકાતાને 10 રને હરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) ચેન્નઈ, તા.13
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે 153 રનનો પીછો કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી હતી. રનચેઝમાં કેકેઆરને અંતિમ 3 ઓવરમાં 22 રનની જરૂર હતી અને ટીમ તેમ કરવામાં નિષ્ફ્ળ રહી હતી. કૃણાલ પંડ્યાએ 18મી ઓવરમાં 3 અને જસપ્રીત બુમરાહે 19મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. પછી અંતિમ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે 15 રન ડિફેન્ડ કર્યા હતા.
નીતીશ રાણાએ લીગમાં પોતાની 13મી ફિફટી ફટકારતા 47 બોલમાં 57 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સ મારી હતી. તે લેગ સ્પિનર રાહુલ ચહરની બોલિંગમાં કવિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો.
ઓઇન મોર્ગન 7 રને રાહુલ ચહરની બોલિંગમાં માર્કોના હાથે કેચ આઉટ થયો હતો. તે આ મેચમાં ચહરનો ત્રીજો શિકાર થયો છે. અગાઉ ચહરે શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીને પણ પેવેલિયન ભેગા કર્યા હતા.
શુભમન ગિલ રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓફ પર પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 24 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 33 રન કર્યા હતા. તેમજ નીતીશ રાણા સાથે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઈપીએલ 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 20 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 56 અને રોહિત શર્માએ 43 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહીં. નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલે 5, પેટ કમિન્સે 2, જ્યારે વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને પ્રસિદ્વ કૃષ્ણએ 1-1 વિકેટ લીધી. રસેલે માત્ર 2 ઓવર નાખીને 5 વિકેટ લીધી છે.
એકસમયે મુંબઈ ઇન્ડિયન્સનો સ્કોર 115 રને 3 વિકેટ હતો. જોકે, તે પછી ટીમનો ધબડકો થયો હતો. તેમની અંતિમ 7માંથી 5 વિકેટ આન્દ્રે રસેલે લીધી હતી. હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ અને કૃણાલ પંડ્યામાંથી કોઈપણ ટીમને ફિનિશિંગ ટચ આપી શક્યા નહોતા. રસેલે 2 ઓવરમાં 15 રન આપી 5 વિકેટ ઝડપતા મુંબઈની બેટિંગ લાઈનઅપની કમર તૂટી ગઈ હતી.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડ મુંબઈની ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપી શક્યા નહોતા. હાર્દિક 17 બોલમાં 15 રન કરીને પ્રસિદ્ધની બોલિંગમાં રસેલ દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે પોલાર્ડ 8 બોલમાં 5 રન કરીને રસેલની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો.

રોહિત શર્મા પેટ કમિન્સની બોલિંગમાં કટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે 32 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 43 રન કર્યા હતા. તે શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યો નહોતો.

ઈશાન કિશન પેટ કમિન્સની બોલિંગમાં કૃષ્ણ પ્રસિદ્ધના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 3 બોલમાં 1 રન જ કર્યો હતો.

સૂર્યકુમાર યાદવે લીગમાં પોતાની 12મી ફિફટી ફટકારતાં 36 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 56 રન બનાવ્યા હતા. તે શાકિબની બોલિંગમાં લોન્ગ-ઓન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને રોહિતે બીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી.

સાઉથ આફ્રિકન વિકેટકીપર કવિન્ટન ડી કોકની ટૂર્નામેન્ટમાં શરૂઆત નિરાશાજનક રહી છે. તે 6 બોલમાં માત્ર 2 રન કરી શક્યો હતો. તે વરુણ ચક્રવર્તીની બોલિંગમાં ડીપ મીડ-ઓન પર રાહુલ ત્રિપાઠીના હાથે કેચ આઉટ થયો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઓઇન મોર્ગને 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કોલકાતાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઈની ટીમમાં એક બદલાવ છે. ક્રિસ લિનની જગ્યાએ કવિન્ટન ડી કોક રમી રહ્યો છે. સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ બેંગલોર સામે 2 વિકેટે હારી ગઈ હતી, જ્યારે કોલકાતાએ હૈદરાબાદને 10 રને માત આપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, માર્કો જેન્સન, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ-11: નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કપ્તાન), આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્વ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી

રોહિત કોલકાતા સામે સૌથી વધુ 939 રન બનાવનારો બેટ્સમેન છે. જો તે 61 રન બનાવે છે તો એક ટીમ સામે એક હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બની જશે.

આઈપીએલમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 27 મેચ રમાઈ છે. મુંબઈ 21, જ્યારે કોલકાતા 6 મેચ જીતી છે. મુંબઈની જીતની ટકાવારી 77.77 છે, જે કોઈ પણ વર્તમાન ટીમની બીજી ટીમ સામે સૌથી વધુ છે. છેલ્લી 12 મેચમાં કોલકાતા માત્ર એક જ જીતી શક્યું છે.

રિલેટેડ ન્યૂઝ