અઠવાડિયાં પછી 3500માં મળતાં થશે રેમડેસિવિર

દરમહિને 80 લાખ ઈન્જેકશન વધારે બનાવવા નિર્માતાને કેન્દ્રનો આદેશ: મનસુખ માંડવિયા

ભારતમાં કઈ-કઈ કંપનીઓ બનાવે છે રેમડેસિવિર?
ભારતમાં રેમડેસિવિર દવાને ડો. રેડ્ડી લેબ, ઝાયડસ કેડિલા, સિપ્લા અને હેટેરો લેબ બનાવે છે. આ ઉપરાંત જુબલિયન્ટ લાઈફ સાયન્સ અને માયલન કંપની પણ તેને બનાવવાના પ્રયાસ કરી
રહી છે.

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી,તા.14
કોરોના વાઈરસ સંક્રમણ દેશમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાનાં વધતાં દર્દીઓને કારણે ન ફક્ત હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે પણ તેની સારવારમાં વપરાતાં રેમડેસિવિર ઈન્જેક્શનની પણ અછત સર્જાઈ છે. દેશમાં ઈન્જેક્શનની અછતને જોતાં કેન્દ્ર સરકારે તેની નિકાસ પર બેન લગાવી દીધો હતો. અને દવાનું પ્રોડક્શન વધારવા માટે નિર્દેશ કર્યો હતો. તો હવે ભારત સરકારે રેમડેસિવિર દવાનું ઉત્પાદન, આપૂર્તિ અને કિંમતોને લઈ મોટો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારત સરકારે રેમડેસિવિર દવાના ઉત્પાદન, આપૂર્તિ અને કિંમતો ઘટાડવાને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે. દર મહિને 80 લાખ ઈન્જેક્શનો સુધી તેનું ઉત્પાદન વધારવામાં આવશે. અને આ અઠવાડિયાના અંત સુધીમાં રેમડેસિવિર નિર્માતાને તેની કિંમત 3500 રૂપિયાથી ઓછી કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વિસ્ફોટ થવાને કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં ઈન્જેક્શન માટેની લાંબી લાઈનોની ચર્ચા દેશભરમાં થઈ હતી. જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ રેમડેસિવિરની માગમાં વધારો થયો છે. વધતી જતી માગને પગલે મોદી સરકારે આ મોટો નિર્ણય કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ