દિલ્હીએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું

દિલ્હી ટીમ 5 મેચમાંથી ચારમાં જીત પ્રાપ્ત કરી પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમાંક પર પહોંચી

V

(પ્રતિનિધિ દ્વારા) ચેન્નઈ, તા.25
આઈપીએલ 2021 સીઝનની 20મી મેચ દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે ટાઈ રહી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે દિલ્હીને 8 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ઓવર સ્પિનર અક્ષર પટેલે કરી હતી. આની પહેલા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદની ટીમ છેલ્લી ઓવરમાં 16 રન બનાવી શકી ન હતી. આ સિઝનની પહેલી ટાઈ મેચ છે. હૈદરાબાદ તરફથી સુુપર ઓવરમાં રાશિદ ખાને બોલિંગ કરી હતી. દિલ્હી તરફથી બેટિંગ કરવા માટે રિષભ પંત અને ધવન બેટિંગ કરવા ઉતર્યા હતા.
દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ 4 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે. હૈદરાબાદને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદના કેન વિલિયમ્સન અને જગદીશ સુચિતે છેલ્લે સુધી બેટિંગ કર્યા બાદ 7 વિકેટના નુકસાન પર 159 રન જ બનાવ્યા હતા.
હૈદરાબાદની ટીમે 28ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 6 રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમને બીજો ફટકો 56ના સ્કોર પર પડ્યો હતો. જોની બેરસ્ટો 18 બોલમાં 38 રન બનાવીને આવેશ ખાનનો શિકાર થયો હતો. આવેશ ખાને 84ના સ્કોર પર હૈદરાબાદની ત્રીજી વિકેટ લીધી હતી. એણે વિરાટ સિંહને કેચ આઉટ કર્યો હતો. વિરાટે 14 બોલમાં 4 રન બનાવ્યા હતા. અમિત મિશ્રાએ કેદાર જાધવને આઉટ કર્યો હતો, જાધવે 9 બોલમાં 9 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બેક ટુ બેક વિકેટો ઝડપી હતી, અભિષેક શર્મા અને રાશિદ ખાનને એક જ ઓવરમાં આઉટ કર્યો હતો. આવેશ ખાને વિજય શંકરને 8 રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ