કોરોના મુકત વિહોણા કેન્દ્રના મંત્રીને પણ બંગાળમાં નો-એન્ટ્રી

(પ્રતિનિધિ દ્વારા)
કોલકતા,તા.7
પશ્ચિમ બંગાળની સત્તા સંભાળતાંની સાથે જ મમતા બેનર્જી એક્શનમાં આવી ગયા છે. તેમણે કોરોનાવાયરસ મહામારીને કાબૂમાં કરવા માટે કડક પ્રતિબંધો જાહેર કર્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ કેન્દ્રિય પ્રધાન હોવા છતાં પણ કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ વિના રાજ્યમાં પ્રવેશ કરશે નહીં.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીએ ભારે જીત મેળવી છે. મમતા ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે રાજ્યનો હવાલો સંભાળી રહ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આવતા કેન્દ્રીય મંત્રીઓએ પણ કોરોના નેગેટિવ હોવાના પુરાવા આપવાના રહેશે. તેમણે કહ્યું, ’જે પણ પ્રધાનો સહિત રાજ્યની બહારથી આવે છે, તેનો ટેસ્ટ રિપોર્ટ હોવો જોઈએ. આ ખાસ કરીને બહારના લોકોને લાગુ પડે છે. અમે ખાસ વિમાનથી આવતા લોકોના અહેવાલોની પણ તપાસ કરીશું. કાયદામાં કોઈ ભેદભાવ હોઈ શકે નહીં’.
ક્વોરન્ટાઇનનો ઉપાડવો પડશે ખર્ચ
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જો કોઈ મુસાફરો કોરોના રિપોર્ટ સાથે નહીં આવે, તો અમે તેની તપાસ કરીશું અને જો પોઝિટિવ જણાશે તો તેને ક્વોરેન્ટાઇન સેન્ટર અથવા હોટેલમાં મોકલવામાં આવશે, જેનો ખર્ચ તેમણે પોતે જ ભોગવવો પડશે. આ અગાઉ રાજ્ય સરકારે બુધવારે માર્ગદર્શિકા બહાર પાડીને જણાવ્યું હતું કે વિમાન, લાંબા અંતરની ટ્રેનો અને બસોથી આવતા લોકોને કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. કેન્દ્રીય પ્રધાનો અંગે મમતા બેનર્જીનું હુકમનામું એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં હિંસાને કારણે દિલ્હીથી ભાજપના નેતાઓ અને મંત્રીઓ સતત બંગાળ પહોંચી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ચૂંટણીના પરિણામો બાદથી રાજ્યમાં હિંસા ચાલી રહી છે. ભાજપનો આરોપ છે કે ટીએમસી સમર્થકો તેના કાર્યકરોને નિશાન બનાવી રહ્યા છે. પશ્ચિમ મિદનાપુરમાં કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરનના કાફલા પર પણ હુમલો થયો હતો. જો કે મમતા બેનર્જી તેને કાવતરું ગણાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ