ઇદમાં છૂટ આપ્યા બાદ કેરળમાં ફરી લોકડાઉન

(પ્રતિનિધિ દ્વારા)
તિરૂવનંતપુરમ તા. 21
કોરોનાના ઝડપથી વધી રહેલા કેસને જોતા કેરલમાં એક વખત ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ સંપૂર્ણ લોકડાઉન માત્ર શનિવાર અને રવિવાર એટલે કે 24 અને 25 જુલાઈએ રાખવામાં આવ્યું છે. કેરલ સરકાર તરફથી જારી ગાઇડલાઇન અનુસાર 24 અને 25 જુલાઈ (શનિવાર અને રવિવાર) એ 12 અને 13 જૂન 2021ના જારી દિશાનિર્દેશો પ્રમાણે સંપૂર્ણ લોકડાઉન રહેશે.
મહત્વનું છે કે આ પહેલા મંગળવારે કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ કે, રાજ્યમાં ચાલી રહેલા કોવિડ પ્રતિબંધો વધુ એક સપ્તાહ સુધી જારી રહેશે, કારણ કે એવરેજ પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઉપર છે. મુખ્યમંત્રીનું નિવેદન તેવા સમયે આવ્યુ જ્યારે બકરી ઇદ પહેલા સંક્રમણના ઉચ્ચ દરવાળા વિસ્તારમાં લોકડાઉનના પ્રતિબંધોમાં ઢીલ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સર્વોચ્ચ ન્યાયાલયે અયોગ્ય ગણાવી દીધો હતો.
આ વચ્ચે વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ રાજ્ય સરકાર માટે ઝટકો છે. રાજ્યમાં ભાજપના પ્રમુખ સુરેન્દ્રને સંવાદદાતાઓને કહ્યુ- આ પિનરાઈ વિજનય સરકારના મોઢા પર તમાચો છે. વિજયને કોવિડ-19ની દૈનિક સમીક્ષા બેઠકમાં કહ્યું કે, બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખી ત્રણ દિવસ માટે પ્રતિબંધોમાં આપવામાં આવેલી છૂટ સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું કે, ત્રણ લાખ વધારાના કોવિડ ટેસ્ટ શુક્રવારે કરવામાં આવશે.
એક નિવેદનમાં વિજયને કહ્યુ- હવે પ્રતિબંધોમાં કોઈ છૂટછાટ મળશે નહીં. વર્તમાન પ્રતિબંધો આગામી એક સપ્તાહ સુધી જારી રહેશે. છેલ્લા ત્રણ દિવસમાં એવરેજ પોઝિટિવિટી રેટ વધીને 10.8 ટકા થઈ ગયો છે. ટીપીઆર મલ્લાપુરમ, કોઝિકોડ અને કાસરગોડમાં ઉચ્ચો છે. જિલ્લા તંત્રએ ટીપીઆરને નિયંત્રિત કરવા યોગ્ય પગલા ભર્યા છે.

રિલેટેડ ન્યૂઝ