ભારતમાં કોરોનાથી 47 લાખનાં મોત?

    સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટનો સનસનીખેજ દાવો: રિપોર્ટનાં લેખકોમાં ભારતનાં માજી મુખ્ય આર્થિક સલાહકાર પણ સામેલ

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.21
કોરોનાને કારણે દેશમાં જેટલા મોતનો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કરી રહ્યું છે તેનાથી દસગણા વધુ લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યો હોવાનો દાવો એક અમેરિકી અભ્યાસ જૂથના અહેવાલમાં કરાયો છે. સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટના એક અભ્યાસ અહેવાલમાં દાવો કરાયો છે કે ભારતમાં કોવિડને લીધે જૂન સુધી મૃત્યુઆંક 47 લાખ જેટલો થવા જાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોનાથી 414482 જણનાં મોત થઈ ચૂક્યાં છે. ભારતથી વધુ
સત્તાવાર મોત માત્ર અમેરિકા અને બ્રાઝિલમાં જ નોંધાયા છે. અમેરિકામાં 6.9 લાખ જ્યારે બ્રાઝિલમાં પ.42 લાખ મોત થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી થતા મોતનો આંકડો છુપાવવાના વ્યાપક આક્ષેપો અને હેવાલો વચ્ચે હવે અમેરિકી અભ્યાસ જૂથે જણાવ્યું છે કે કોરોનાની શરૂઆતથી લઈને આ વર્ષે જૂન મહિના સુધી ભારતમાં કોરોનાથી 34 લાખથી 47 લાખ લોકોના મોત થયા છે. હકીકતમાં મૃત્યુઆંક લાખોનો છે અને આઝાદી બાદની આ સૈથી મોટી આપત્તિ છે. સેન્ટરે પોતાના અભ્યાસ દરમ્યાન કોરોનાકાળમાં થયેલા મૃત્યુ અને અગાઉના વર્ષોમાં થયેલા મોતના આંકડાના વિશ્લેષણના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે.
સેન્ટર તેના આધારે 2020 અને 2021ના મોતના આંકડાનું પણ પૃથક્કરણ કર્યું છે અને તેનો અહેવાલ સરકારના આંકડા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
આ અભ્યાસના લેખકોમાં ભારતમાં મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રિસર્ચ ઈન્સ્ટિટયુટ ફોર ડેવલપમેન્ટના નિષ્ણાત ક્રિસ્ટોફે ગુઈલમોટોએ પણ હાલમાં જ ભારતમાં કોરોનાથી બાવીસ લાખ મૃત્યુનો અંદાજ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ