જૈસી કરની વૈસી ભરની: ચીનમાં ડેલ્ટા વકરતાં શહેર ‘લોકડાઉન’

45 લાખની વસ્તીવાળા શહેરમાં ફફડાટ

(પ્રતિનિધિ દ્વારા)
બેજિંગ,તા.14
ભારતમાં કોરોનાની અસર ઓસરી રહી છે, ત્યારે ચીને 45 લાખની વસ્તી ધરાવતા પોતાના ફુજિયાન પ્રાંતના ઝિયામેન શહેરમાં લોકડાઉન લાદી દીધું છે. અહીં કોરોનાના ડેલ્ટા વેરિયંટના ડઝનબંધ કેસ મળી આવતા સત્તાધીશો દ્વારા સમગ્ર શહેરમાં જડબેસલાક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ શહેર ઈલેક્ટ્રોનિક્સ આઈટમનું મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે. જેમાં દુનિયાની જાણીતી કંપનીના પ્લાન્ટ આવેલા છે.
સોમવારે રાત્રે ઝિયામેનમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિને ખૂબ જ જરુરી કામ સિવાય બહાર નીકળવાની છૂટ નથી. આ શહેર ટુરિઝમ માટે પણ જાણીતું છે. જોકે, હાલ તો ત્યાં આવેલા સિનેમા, બાર, જિમ અને લાઈબ્રેરી સહિતના જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરની આસપાસના ગામોમાં પણ લોકાડાઉન કરી દેવાયું છે.
તાજેતરના દિવસોમાં જ ફુજિયાન પ્રાંતમાં 103 કેસ નોંધાયા છે જેમાંના મોટાભાગના ત્રણ શહેરોમાં સામે આવ્યા છે. લોકલ સ્કૂલના સ્ટૂડન્ટ્સના રુટિન ટેસ્ટિંગ દરમિયાન બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જણાતા સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં માલૂમ પડ્યું હતું કે બાળકોના પિતા ઓગસ્ટની શરુઆતમાં વિદેશ પ્રવાસેથી આવ્યા હતા. તેમના દ્વારા જ કોરોના સમગ્ર પ્રાંતમાં ફેલાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ પહેલા પણ થોડા સમય પહેલા જ ચીને કેટલાક શહેરોને લોકડાઉન કર્યા હતા. ઝીરો કોવિડ સ્ટેટસ માટે ચીન તમામ પગલાં લઈ રહ્યું છે. જેના ભાગરુપે સ્થાનિક તંત્રને જરુર પડે તો લોકડાઉન લાગુ કરી દેવાની સત્તા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સૌ પહેલા 2019માં ચીનના વુહાનમાં જ જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ