કેન્દ્રીય મંત્રીનો પુત્ર આશિષ મિશ્રા અંતે પોલીસ સમક્ષ હાજર

પુછપરછ ચાલુ: ધરપકડની તૈયારી: મિશ્રા પોલીસમાં હાજર થતાં સિદ્ધુએ પોતાના ઉપવાસ છોડયા

લખનૌ તા.9
લખીમપુર હિંસાના આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા આજે પોલીસ સમક્ષ હાજર થતા તેની પુછપરછ શરુ કરવામાં આવી છે અને ડીઆઈજી કક્ષાના અધિકારી પુછપરછમાં જોડાયા છે જયારે પોલીસે તેના ધારાશાસ્ત્રીને પણ હાજર રહેવાની છુટ અપાતા નવો વિવાદ પેદા થયો છે.
છેલ્લા ત્રણ દિવસથી નાટયાત્મક દ્રશ્યો બાદ પોલીસની બીજી નોટીસના અનુસંધાને આશિષ મિશ્રા આજે લખીમપુર પોલીસ લાઈનમાં હાજર થયો હતો અને તેની સામે અગાઉથી તૈયાર રખાયેલ પ્રશ્ર્નોનો મારો ચલાવાઈ રહ્યો છે. આ સમયે તેના સેંકડો સમર્થકો બહાર આશિષની તરફેણમાં સુત્રોચ્ચાર કરી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને દુર કર્યા હતા અને માનવામાં આવે છે કે આશિષની ધરપકડ કરવામાં આવશે તેની સામે અગાઉ જ એફઆઈઆર નોંધાઈ છે જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ આજે અજય મિશ્રા પોલીસમાં હાજર થતા છેલ્લા ચોવીસ કલાકથી ઉપવાસ ઉપર બેઠેલા પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ આજે તેના ઉપવાસનો અંત લાવ્યો હતો.સિદ્ધુએ જાહેર કર્યું હતું કે જયાં સુધી આરોપીને પોલીસ ઝડપે નહિં ત્યાં સુધી તે ઉપવાસ કરશે અને તે સ્થળે તનાવ વ્યાપી ગયો હતો. જોકે હજુ પોલીસે આશીષ મિશ્રાની વિધીવત ધરપકડ કરી નથી તેના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી છે અને બીજી તરફ સુપ્રિમ કોર્ટના દબાણ છતા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે જાહેર કર્યુ હતું કે સરકાર કોઈના દબાણ હેઠળ કામ કરતી નથી પરંતુ કાનુન મુજબ જે પગલા લેવાશે તેજ યોગ્ય રહેશે.

રિલેટેડ ન્યૂઝ