જામનગરમાં ગેસ સિલિન્ડર લીક થતા મકાનમાં આગ ભભૂકી

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 13
જામનગર માં એક રહેણાંક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગી ગઈ હતી. જે મામલે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડીએ સમય સૂચકતા વાપરીને આગને બુઝાવી દીધી હોવાથી આગ વધુ પ્રસરતી અટકી હતી. તેમજ જાન-માલને નુકશાની પણ થઈ ન હતી.
જામનગરમાં રણજીત રોડ પર નવીવાસ વિસ્તારમાં રહેતાં શાંતિભાઈ અરજણભાઈ ડોણાસીયા ના મકાનમાં ગત રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પાણી ગરમ કરતી વેળાએ એકાએક રાંધણગેસના બાટલા માંથી લીકેજ થતાં આગ લાગી ગઈ હતી, અને આગની જ્વાળાઓ ઉપર તરફ ઉઠવા માંડી હતી. જેથી મકાનમાલિક અને તેના પરિવારજનોએ ઘરની બહાર નીકળી જઇ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી.
ત્યાર પછી ફાયરબ્રિગેડનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સમય સૂચકતા વાપરીને રાંધણ ગેસનો બાટલો બહાર કાઢી લઇ આગને વધુ પ્રસરતી અટકાવી હતી. જેથી જાનમાલ અને નુકસાની થઈ ન હતી.

રિલેટેડ ન્યૂઝ