તમારો થાઈરોડ ગ્રંથિ ભલે નાની હોય, પરંતુ તમારું શરીર દરરોજ કેવી રીતે કાર્ય કરે છે અને તમે કેવું અનુભવો છો તેમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગળાના આગળના ભાગમાં આવેલી આ નાનકડી ગ્રંથિ તમારા મેટાબોલિઝમ (ચયાપચય), હૃદયના ધબકારા અને રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે – અનિવાર્યપણે તે નક્કી કરે છે કે તમારું શરીર કેટલી ઝડપથી કે ધીમેથી કામ કરશે. જ્યારે થાઈરોડ હોર્મોનનું સ્તર ઘટી જાય છે, ત્યારે તેની અસર માત્ર થાક કે વજન વધવા પૂરતી સીમિત નથી રહેતી. તે શાંતિથી તમારા હૃદય અને રક્તવાહિનીઓ પર દબાણ લાવી શકે છે, જે ક્યારેક હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) તરીકે દેખાય છે. એબોટ ઈન્ડિયાના મેડિકલ અફેર્સ હેડ ડો. કિન્નરા પુત્રેવુએ ઉમેર્યું હતું કે, “હાયપોથાઈરોડિઝમ એ હાઈ બ્લડ પ્રેશર માટેનું એક એવું કારણ છે જેની સારવાર શક્ય છે, તેથી તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો જો અકળ કારણોસર વજન વધવું, સતત થાક લાગવો, ત્વચા સૂકી થવી, વાળ પાતળા થવા, કબજિયાત અથવા અસામાન્ય રીતે ઠંડી લાગવી જેવા લક્ષણો અનુભવતા હોય, તો તેમણે થાઈરોડની તપાસ માટે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.”
ડો. બ્રિજ તેલી (એન્ડોક્રિનોલોજિસ્ટ, ગ્રંથી- ડાયાબિટીસ, એન્ડોક્રાઈન અને ઓબેસિટી સેન્ટર, રાજકોટ) ના જણાવ્યા અનુસાર, હાયપોથાઈરોડિઝમ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને અનેક રીતે અસર કરે છે – હૃદયના ધબકારા ધીમા કરવાથી લઈને બ્લડ પ્રેશર વધારવા સુધી. હાયપોથાઈરોડિઝમની સારવાર કરવાથી માત્ર થાઈરોડ હોર્મોનનું સંતુલન જ જળવાતું નથી, પરંતુ તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં અને હૃદયના એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે.