નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઊર્જા જાળવી રાખવા માટે મખાનાના લાડુ એક ઉત્તમ અને સ્વસ્થ વિકલ્પ છે. કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર આ લાડુ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. સૌથી સારી વાત એ છે કે તમે નવરાત્રીના પહેલા દિવસે જ આ લાડુ બનાવીને આખા ૯ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની સૌથી સરળ રીત.
જરૂરી સામગ્રી
- મખાના: ૨ કપ
- કાજુ અને બદામ: ૫૦-૫૦ ગ્રામ
- સૂકું નારિયેળ (છીણેલું) અથવા મગફળી: ૧/૨ કપ
- ખાંડ: ૧/૪ કપ
- લીલી એલચી: ૩-૪ નંબ
- શુદ્ધ ઘી: જરૂરિયાત મુજબ
બનાવવાની સરળ રીત
- મખાના શેકવા: એક પેનમાં ૧ ચમચી ઘી ગરમ કરી ૨ કપ મખાના ઉમેરો. ધીમા તાપે મખાના એકદમ ક્રિસ્પી (કુરકુરા) થાય ત્યાં સુધી શેકીને એક વાસણમાં કાઢી લો.
- ડ્રાયફ્રૂટ્સ શેકવા: તે જ પેનમાં થોડું ઘી ઉમેરી કાજુ અને બદામને ૨ થી ૪ મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેમાં સૂકા નારિયેળનું છીણ અથવા શેકેલી મગફળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- મિશ્રણ પીસવું: ખાંડ અને લીલી એલચીને મિક્સરમાં બારીક પીસી લો. ત્યારબાદ શેકેલા મખાના અને ડ્રાયફ્રૂટ્સને મિક્સર જારમાં લઈ તેનો બારીક પાવડર બનાવી લો.
- લાડુ બાંધવા: પાવડર અને પીસેલી ખાંડને એક મોટા વાસણમાં ભેગા કરી બરાબર મિક્સ કરો. હવે મિશ્રણમાં થોડું નવશેકું ઘી ઉમેરીને હાથથી મિક્સ કરો જેથી લાડુ સરળતાથી બંધાઈ જાય.
મહત્વની ટિપ્સ (સ્ટોરેજ માટે):
- લાંબા સમય માટે: જો લાડુને આખા ૯ દિવસ સુધી બહાર રાખવા હોય, તો લાડુ બાંધવા માટે માત્ર ઘીનો જ ઉપયોગ કરવો.
- તત્કાલ વપરાશ માટે: જો લાડુ ૨-૩ દિવસમાં પૂરા કરવા હોય, તો ઘીની જગ્યાએ દૂધ, માવો કે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી શકાય છે.
- બરફી વિકલ્પ: આ જ મિશ્રણમાંથી લાડુ બનાવવાની જગ્યાએ ખાંડની ચાસણી બનાવીને પ્લેટમાં પાથરીને બરફી પણ બનાવી શકાય છે.