Jai Hind

એકલા પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? ઘરેથી નીકળતા પહેલા આ ખાસ ટિપ્સ ધ્યાનથી વાંચી લો

એકલા મુસાફરી કરવી એ ખૂબ જ રોમાંચક અનુભવ છે. સોલો ટ્રિપ તમને કોઈ પણ પ્રકારના દબાણ કે ઉતાવળ વગર પોતાની મરજી મુજબ વિહાર કરવાની આઝાદી આપે છે. આ ઉપરાંત, એકલા પ્રવાસ કરવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ મજબૂત થાય છે. પરંતુ, સુરક્ષિત અને આનંદદાયક મુસાફરી માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

જો તમે પણ સોલો ટ્રિપ પર જવાનું વિચારી રહ્યા છો, તો આ મહત્વપૂર્ણ વાતો ખાસ યાદ રાખો:

૧. યોગ્ય સ્થળની પસંદગી અને પૂરતું સંશોધન (Research)
જો તમે પહેલી વાર એકલા પ્રવાસે જઈ રહ્યા હોવ, તો સુરક્ષિત અને સુગમ હોય તેવા સ્થળની જ પસંદગી કરો. ઉપડતા પહેલાં ત્યાંના હવામાન, સ્થાનિક સંસ્કૃતિ, ખાણીપીણી, ભાષા અને ટ્રાન્સપોર્ટ સુવિધાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો. તેમજ કયા વિસ્તારોમાં જવું અસુરક્ષિત હોઈ શકે છે તેની જાણકારી મેળવી તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

૨. પરિવાર કે મિત્રોને અપડેટ રાખો
એકલા પ્રવાસમાં મનોરંજન સાથે સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તમારી હોટેલ બુકિંગ, ટ્રેન કે ફ્લાઈટનું શિડ્યુલ અને તમારો ટ્રાવેલ પ્લાન પરિવારના સભ્યો કે કોઈ વિશ્વાસુ મિત્ર સાથે ચોક્કસ શેર કરો. પ્રવાસ દરમિયાન દરરોજ તમારા લોકેશન વિશે તેમને જાણ કરતા રહો.

૩. જરૂરી દસ્તાવેજો અને ઈમરજન્સી કેશ
તમારા આઈડી પ્રૂફ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને હોટેલ બુકિંગની હાર્ડ કોપી સાથે રાખો તેમજ તેની સોફ્ટ કોપી તમારા ઈમેલ કે ફોનમાં સેવ કરી લો. મુસાફરીમાં માત્ર ઓનલાઈન પેમેન્ટ પર નિર્ભર રહેવાના બદલે થોડી ઈમરજન્સી કેશ (રોકડ રકમ) ચોક્કસ સાથે રાખો. બધી રોકડ રકમ એક જ જગ્યાએ રાખવાને બદલે તેને અલગ-અલગ જગ્યાએ (જેમ કે બેગના જુદા જુદા ખાનામાં) રાખો, જેથી નેટવર્ક ન હોય કે કાર્ડ ન ચાલે તો પણ મુશ્કેલી ન પડે.

૪. ઓછો સામાન અને બજેટ ફ્રેન્ડલી સ્ટે
સોલો ટ્રિપમાં તમારો આખો સામાન તમારે પોતે જ ઊંચકવાનો હોય છે, તેથી માત્ર અત્યંત જરૂરી વસ્તુઓ જ પેક કરો (Pack Light). રોકાણ માટે મોંઘી હોટેલોના બદલે હોસ્ટેલ કે ડોર્મિટરી પસંદ કરી શકો છો. આનાથી તમારા પૈસા તો બચશે જ, સાથે સાથે અન્ય સોલો ટ્રાવેલર્સને મળવાનો અને અનુભવો શેર કરવાનો મોકો પણ મળશે.

૫. તમારી ‘સિક્સથ સેન્સ’ (Sixth Sense) પર વિશ્વાસ રાખો
સફર દરમિયાન તમને ઘણા નવા લોકો મળશે. તેમાંથી કેટલાક મદદરૂપ થશે તો કેટલાક શંકાસ્પદ પણ હોઈ શકે છે. જો તમને કોઈ વ્યક્તિ કે સ્થળ સુરક્ષિત ન લાગે કે અસ્વસ્થતા અનુભવાય, તો તરત જ ત્યાંથી નીકળી જાઓ. તમારી અંદરથી આવતા અવાજ (Intuition)ને ક્યારેય અવગણશો નહીં.