જો તમને પહાડોની વચ્ચે ખીલેલાં ફૂલોની સુંદરતા અને કુદરતી નજારા પસંદ હોય, તો આ સમાચાર તમારા માટે છે. કેરળના મુન્નારની ટેકરીઓ ૧૨ વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર નીલકુરંજીના સુંદર ફૂલોથી ઝૂમી ઉઠી છે. પશ્ચિમ ઘાટના આ પહાડો હાલમાં વાદળી અને જાંબલી રંગની મનોરમ ચાદર ઓઢીને બેઠા હોય તેવા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે.
આ ફૂલો આટલા લાંબા ગાળે જ ખીલતા હોવાથી આ કુદરતી ઘટનાને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે.
નામનો શાબ્દિક અર્થ
સ્થાનિક ભાષામાં ‘નીલા’ નો અર્થ વાદળી અને ‘કુરંજી’ નો અર્થ ફૂલ થાય છે. જ્યારે આ છોડ પર સામૂહિક રીતે ફૂલો ખીલે છે, ત્યારે આખો પર્વત નીલા રંગનો દેખાવા લાગે છે. વર્ષો સુધી આ છોડ સામાન્ય ઝાડીઓ જેવા જ દેખાય છે, પરંતુ ૧૨મા વર્ષે તેમાં એકસાથે બુલંદ ખીલે છે.
૧૨ વર્ષમાં જ કેમ ખીલે છે?
આ ફૂલના દર ૧૨ વર્ષે ખીલવા પાછળ એક ખાસ વનસ્પતિશાસ્ત્રીય ચક્ર જવાબદાર છે, જેને ‘માસ ફ્લાવરિંગ સાયકલ’ કહેવામાં આવે છે.
૧૨મા વર્ષે આ છોડ એક સાથે કરોડોની સંખ્યામાં ફૂલો અને બીજ પેદા કરે છે.
ફૂલો ખીલ્યા બાદ આખો છોડ સુકાઈને નાશ પામે છે.
જમીનમાં ખરી પડેલા બીજ આગામી ૧૨ વર્ષ સુધી સુષુપ્ત રહે છે અને ફરીથી નવું ચક્ર શરૂ થાય છે.
‘નીલગિરી’ નામ પાછળનું રહસ્ય
જ્યારે આ ફૂલો આખી ટેકરીઓ પર પથરાઈ જાય છે, ત્યારે પહાડો વાદળી રંગના ગાલીચા જેવા દેખાય છે. માનવામાં આવે છે કે આ પહાડીઓ પર નીલકુરંજીના કાયમી પ્રભાવને કારણે જ આ વિસ્તારનું નામ “નીલગિરી” (એટલે કે વાદળી પર્વતો) પડ્યું છે.
ક્યાં અને ક્યારે જોવા મળે છે?
દરિયાઈ સપાટીથી આશરે ૧,૩૦૦ થી ૨,૪૦૦ મીટરની ઊંચાઈ પર આ છોડ ઉગે છે. કેરળના ઇડુક્કી જિલ્લામાં આવેલું મુન્નાર, ઇરાવિકુલમ નેશનલ પાર્ક અને માટ્ટુપેટ્ટી આ ફૂલો જોવા માટેના મુખ્ય સ્થળો છે. આ સિવાય તમિલનાડુ અને કર્ણાટકના અમુક પહાડી વિસ્તારોમાં પણ તે જોવા મળે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિના દરમિયાન આ નજારો ચરમસીમા પર હોય છે.