ઓછા બજેટમાં વિદેશ પ્રવાસનો આનંદ માણવો હોય અને સાથે સ્વર્ગ જેવી કુદરતી સુંદરતા માણવી હોય, તો આપણો પડોશી દેશ નેપાળ શ્રેષ્ઠ વિકલ્પ છે. હિમાલયની ગોદમાં વસેલું નેપાળ તેના પ્રાચીન મંદિરો, પહાડી વાતાવરણ અને સંસ્કૃતિ માટે દુનિયાભરમાં જાણીતું છે. જો તમે પણ નેપાળ જવાનું વિચારતા હોવ, તો આ 4 સુંદર જગ્યાઓ તમારે ચોક્કસ જોવી જોઈએ:
1. પોખરા: કુદરત અને એડવેન્ચરનો સંગમ પોખરાને નેપાળનું ટૂરિઝમ હબ માનવામાં આવે છે. અહીં આવેલા પ્રખ્યાત ફેવા તળાવમાં બોટિંગ કરતા કરતા અન્નપૂર્ણા પર્વતમાળાનો નજારો જોવો એ એક અલગ જ અનુભવ છે. આ સિવાય સારંગકોટથી સૂર્યોદયનો અદ્ભુત નજારો, ડેવિસ ફોલ્સ અને વર્લ્ડ પીસ પેગોડા પણ જોવા જેવા છે. જે લોકોને એડવેન્ચર ગમે છે, તેઓ અહીં પેરાગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ અને ઝિપ-લાઈનિંગની મજા માણી શકે છે.
2. કાઠમંડુ: સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર નેપાળની રાજધાની કાઠમંડુ તેના ઐતિહાસિક વારસા અને મંદિરો માટે જાણીતી છે. અહીં આવેલું પશુપતિનાથ મંદિર, બૌદ્ધનાથ સ્તૂપ અને સ્વયંભુનાથ પ્રવાસીઓ માટે શ્રદ્ધાના મોટા કેન્દ્રો છે. યુનેસ્કો હેરિટેજમાં સામેલ દરબાર સ્ક્વેર અને અહીંના સ્થાનિક બજારોમાંથી નેપાળી હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરવાનો અનુભવ પણ ખાસ રહે છે.
3. ચિતવન નેશનલ પાર્ક: વાઇલ્ડલાઇફ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે જો તમને જંગલ અને વન્યજીવો પસંદ હોય તો ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન ચોક્કસ જવું જોઈએ. નેપાળનું આ પહેલું નેશનલ પાર્ક એકશિંગી ગેંડા અને રોયલ બંગાળ ટાઈગર માટે જાણીતું છે. અહીં રાપ્તી નદીમાં નાવડીની સવારી તેમજ જંગલ સફારીનો રોમાંચક અનુભવ કરી શકાય છે.
4. લુમ્બિની: માનસિક શાંતિ અને અધ્યાત્મ ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની દુનિયાભરના લોકો માટે અદ્ભુત શાંતિનું ધામ છે. અહીં આવેલું માયા દેવી મંદિર, પવિત્ર પુષ્કરિણી તળાવ અને અલગ-અલગ દેશો દ્વારા બનાવાયેલા બૌદ્ધ મઠો મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે.