Jai Hind

હેલ્ધી બ્રેકફાસ્ટ: સવારના નાસ્તામાં ઝટપટ બનાવો સુપરફૂડ ‘રાગી અપ્પે’, ટેસ્ટ અને હેલ્થનો પરફેક્ટ કોમ્બો

લાઈફસ્ટાઈલ ડેસ્ક: સવારની ભાગદોડમાં દરરોજ એવો નાસ્તો બનાવવો મુશ્કેલ બને છે જે ટેસ્ટી હોવાની સાથે પૌષ્ટિક પણ હોય. રોજ-રોજ પૌઆ, ઉપમા કે થેપલા ખાઈને કંટાળી ગયા હોવ, તો આ વખતે કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરો. આજે આપણે વાત કરીશું રાગી અપ્પે (Ragi Appe) વિશે. રાગી એક એવું સુપરફૂડ છે જે કેલ્શિયમ, આયર્ન અને ફાઈબરથી ભરપૂર હોય છે. તે વજન કંટ્રોલ કરવાની સાથે આખો દિવસ શરીરમાં એનર્જી જાળવી રાખે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો નોંધી લો તેની એકદમ સરળ રેસીપી:

જરૂરી સામગ્રી:
રાગીનો લોટ: ૧ કપ

રવો : ૧/૨ કપ (અપ્પેને ક્રિસ્પી બનાવવા માટે)

દહીં: ૧/૨ કપ

મિક્સ શાકભાજી: ૧/૨ કપ (ઝીણા સમારેલા ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને લીલા મરચાં)

લીલા ધાણા: બારીક સમારેલા

વઘાર માટે: ૧ ચમચી રાઈ અને મીઠો લીમડો (કઢી પત્તા)

ઈનો અથવા ખાવાનો સોડા: ૧/૨ ચમચી

મીઠું: સ્વાદ અનુસાર

તેલ: અપ્પે શેકવા માટે

બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
(બેટર તૈયાર કરવું): સૌપ્રથમ એક મોટા વાસણમાં રાગીનો લોટ, સોજી અને દહીં ભેગા કરો. હવે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું (બેટર) તૈયાર કરી લો. આ મિશ્રણને ઢાંકીને ૧૫ મિનિટ માટે સાઈડ પર મૂકી દો જેથી સોજી બરાબર ફૂલી જાય.

(વઘાર અને શાકભાજી): એક નાના વઘારિયામાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો. આ વઘારને રાગીના ખીરામાં રેડી દો. ત્યારબાદ તેમાં બધા સમારેલા શાકભાજી, લીલા ધાણા અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર હલાવી લો.

(સોફ્ટનેસ માટે): હવે અપ્પે બનાવવાની બરાબર પહેલાં ખીરામાં ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરો. તેના પર એક ચમચી પાણી નાખીને હળવા હાથે મિક્સ કરો. આનાથી અપ્પે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે.

(અપ્પે શેકવા): ગેસ પર અપ્પે પાત્ર (Appe Pan) ગરમ કરવા મૂકો અને તેના દરેક ખાનામાં થોડું-થોડું તેલ લગાવો. હવે ચમચીની મદદથી બધા ખાનામાં રાગીનું ખીરું ભરી દો.

(સર્વિંગ): પાત્રને ઢાંકણથી ઢાંકીને ધીમા તાપે ૨ થી ૩ મિનિટ સુધી ચડવા દો. નીચેની બાજુ આછી ગુલાબી કે બ્રાઉન થાય એટલે અપ્પેને પલટાવી લો અને બીજી બાજુ પણ સહેજ તેલ લગાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

તમારા ગરમાગરમ, ટેસ્ટી અને પૌષ્ટિક રાગી અપ્પે તૈયાર છે! તેને લીલા ધાણાની ચટણી અથવા નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.