જ્યારે પણ મીઠાઈનું નામ પડે ત્યારે મનમાં ખાંડની ચાસણી કે ગોળનો વિચાર આવે છે. પરંતુ આજે આપણે એક એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં ખાંડ કે ગોળનો એક દાણો પણ વપરાતો નથી. છતાં આ બરફી એટલી સોફ્ટ બને છે કે નાના બાળકોથી લઈને દાંત વગરના વડીલો પણ તેને ખૂબ જ સરળતાથી ખાઈ શકે છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર આ મીઠાઈ બનાવવા માટે માત્ર શેકેલા ચણા, દૂધ અને ખજૂરની જરૂર પડે છે.
ચાલો, જાણીએ આ ઘરમાં જ ઝડપથી બની જતી હેલ્ધી બરફીની સરળ રેસીપી!
સામગ્રી:
- શેકેલા ચણા (છાલ વગરના): 250 ગ્રામ
- ફુલ ક્રીમ દૂધ: 1 લિટર
- ખજૂર (બીજ વગરનો): 150 ગ્રામ
- દેશી ઘી: 4-5 ચમચી
- એલચી પાવડર: 1/2 ચમચી
- બારીક સમારેલા પિસ્તા: ગાર્નિશિંગ માટે
બનાવવાની રીત (સ્ટેપ-બાય-સ્ટેપ):
1. ચણા શેકવા: સૌપ્રથમ છાલ વગરના 250 ગ્રામ શેકેલા દાળિયા (ચણા) લો. જો છાલ વાળા હોય તો ઘસીને છાલ અલગ કરી દેવી. હવે એક ભારે તળિયાવાળી કડાઈમાં 2 ચમચી દેશી ઘી ગરમ કરી તેમાં ચણા ઉમેરો. ધીમા તાપે 8 થી 10 મિનિટ સુધી તેને હળવા શેકી લો, જેથી તેમાં સરસ સુગંધ આવે અને ભેજ ઉડી જાય.
2. દૂધ અને ખજૂર સાથે રાંધવું: ચણા શેકાઈ જાય એટલે તેમાં 1 લિટર ફુલ-ક્રીમ દૂધ ઉમેરો. એક-બે ઉભરા આવે ત્યાં સુધી તેને મધ્યમ તાપે પકવો. ચણા દૂધ શોષવા માંડે એટલે ગેસ ધીમો કરી દેવો. હવે તેમાં 150 ગ્રામ ઠળિયા વગરના ખજૂરના ટુકડા ઉમેરો. (ખાસ ધ્યાન રાખવું કે દૂધ થોડું ઘટ્ટ થાય પછી જ ખજૂર ઉમેરવો, જેથી દૂધ ફાટી ન જાય). આ મિશ્રણને દૂધ સુકાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે બરાબર ચડવા દો.
3. પેસ્ટ બનાવવી અને શેકવું: મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને સંપૂર્ણ ઠંડું થવા દો. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો (જો જરૂર લાગે તો 1-2 ચમચી દૂધ ઉમેરી શકો છો). હવે ફરીથી કડાઈમાં 2-3 ચમચી ઘી મૂકી આ પેસ્ટને ધીમા તાપે સતત હલાવતા રહીને શેકો.
4. બરફી સેટ કરવી: જ્યારે મિશ્રણ કડાઈની કિનારીઓ છોડવા લાગે અને ગોળો બનવા લાગે ત્યારે તેમાં 1/2 ચમચી એલચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો. હવે ઘી લગાડેલી થાળી કે ટ્રેમાં આ મિશ્રણને પાથરીને એકસરખું સરખું કરી લો. ઉપરથી બારીક સમારેલા પિસ્તા છાંટીને હળવા હાથે દબાવી દો અને 3 થી 4 કલાક માટે સેટ થવા દો.
પીરસવાની રીત:
મિશ્રણ બરાબર જામી જાય એટલે તેના મનપસંદ આકારના ટુકડા કરી લો. તૈયાર છે તમારી ‘ચણા-ખજૂર બરફી’!
આ બરફી ખાતી વખતે બિલકુલ સુકી લાગતી નથી અને મોંમાં મુકતા જ ઓગળી જાય છે. તમે તેને એર-ટાઈટ ડબ્બામાં ભરીને અઠવાડિયા સુધી તાજી રાખી શકો છો. મોં મીઠું કરવા કે સાંજે હળવી ભૂખ વખતે દૂધ સાથે ખાવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.