સવારની દોડધામમાં જો ઝટપટ અને ટેસ્ટી નાસ્તો બનાવવો હોય, તો સેન્ડવિચ બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે આપણે બટાકા કે વેજ સેન્ડવિચ બનાવતા હોઈએ છીએ, પણ આજે એકદમ કાઠિયાવાડી ટચ અને ક્રીમી ટેસ્ટવાળી ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ બનાવીએ. બ્રેડમાં ઓગળતું ચીઝ અને લસણ-ડુંગળીનો ચટાકેદાર સ્વાદ ઘરના દરેક સભ્યને આંગળા ચાટતા કરી દેશે.
માત્ર ૧૦ મિનિટમાં તૈયાર થતી આ મજેદાર રેસીપી ઝડપથી નોંધી લો.
જરૂરી સામગ્રી
બ્રેડ સ્લાઈસ: ૪ થી ૬
ચીઝ: ૧ કપ (છીણેલું અથવા સ્લાઈસ)
બટર (માખણ): ૩ ચમચી
ઝીણું સમારેલું/વાટેલું લસણ: ૨ ચમચી
ડુંગળી: ૧ (પાતળી ગોળ કાપેલી)
ચીલી ફ્લેક્સ: ૧ ચમચી
મરી પાવડર: ૧/૨ ચમચી
લીલા ધાણા: ઝીણા સમારેલા
લીલી ડુંગળી (ઓપ્શનલ): ઝીણી સમારેલી
મીઠું: સ્વાદ મુજબ
બનાવવાની એકદમ સરળ રીત
ગાર્લિક બટર મિક્સચર: એક બાઉલમાં બટર લો. તેમાં વાટેલું લસણ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, લીલા ધાણા અને ચપટી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
બ્રેડ પર સ્પ્રેડ કરો: હવે બ્રેડની સ્લાઈસ પર આ તૈયાર કરેલું લસણ-બટરનું મિશ્રણ સરસ રીતે લગાવી દો.
સ્ટફિંગ કરો: બ્રેડ ઉપર ડુંગળીની ગોળ સ્લાઈસ અને લીલી ડુંગળી ગોઠવો. તેની ઉપર મનમૂકીને છીણેલું ચીઝ અથવા ચીઝ સ્લાઈસ મૂકો અને બીજી બ્રેડથી ઢાંકી દો.
શેકી લો: તવી કે સેન્ડવિચ મેકર ગરમ કરો. સેન્ડવિચની બહારની બાજુએ પણ થોડું ગાર્લિક બટર લગાવી, ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
સર્વ કરો: ચીઝ બરાબર ઓગળી જાય એટલે સેન્ડવિચને વચ્ચેથી કટ કરી ગરમાગરમ સોસ કે ચટણી સાથે પીરસો.
ટિપ: જો ઘરમાં લસણ બ્રેડ (Garlic Bread) ખાવાનો શોખ હોય, તો આ સેન્ડવિચ તેનો પણ બાપ છે! તમે ઈચ્છો તો ડુંગળી વગર ફક્ત ચીઝ-લસણથી પણ બનાવી શકો છો.