Jai Hind

લીલી ચટણી કાળી પડી જાય છે? અપનાવો આ 5 સિક્રેટ શેફ ટિપ્સ, કલાકો સુધી રંગ રહેશે એકદમ તાજો!

જેમ ભોજન સાથે ચટણી હોય તો સ્વાદ બમણો થઈ જાય છે. ઘણા ઘરોમાં દરરોજ બંને ટાણે ચટણી બનાવવામાં આવતી હોય છે. પરંતુ આપણી સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે થોડીવાર પછી ઘરે બનાવેલી ચટણી કાળી પડી જાય છે અથવા પાણી છોડવા લાગે છે. જ્યારે રેસ્ટોરન્ટ કે બજારની ચટણી કલાકો સુધી ઘટ્ટ અને ઘાટી લીલી રહે છે.

જો તમે પણ ચટણીનો આકર્ષક લીલો રંગ અને સુગંધ જાળવી રાખવા માંગતા હોવ, તો ચટણી પીસતી વખતે આ સરળ ટિપ્સ ચોક્કસ અજમાવો:

  1. બરફના ટુકડા (આઈસ ક્યૂબ્સ) ઉમેરો
    ચટણી પીસતી વખતે પાણી ઉમેરવાની ભૂલ ક્યારેય ન કરવી. પાણી ઉમેરવાથી કોથમીર-ફુદીનાનો રંગ કાળો પડી જાય છે. તેના બદલે 2-3 બરફના ટુકડા ઉમેરીને પીસો. બરફની ઠંડકના કારણે મિક્સરની ગરમી ચટણી સુધી નથી પહોંચતી અને તેનો રંગ એકદમ તેજસ્વી લીલો રહે છે.
  2. 1-2 ચમચી તાજું દહીં
    મોટા-મોટા શેફ ચટણીને પરફેક્ટ કલર આપવા માટે દહીંનો ઉપયોગ કરે છે. કોથમીર-મરચાં પીસતી વખતે તેમાં 1 થી 2 ચમચી તાજું દહીં ઉમેરી દેવાથી ચટણીનો રંગ સરસ આછો લીલો થાય છે, ચટણી ઘટ્ટ બને છે અને તેમાં સરસ ક્રીમી ટેક્સચર આવે છે.
  3. શેકેલા ચણા કે દાળિયા
    જો તમારી ચટણી પીસ્યા પછી પાણી છોડતી હોય, તો તેમાં થોડા શેકેલા ચણા (દાળિયા) ઉમેરી દો. દાળિયા ચટણીમાં રહેલું વધારાનું પાણી સોષી લેશે, જેથી ચટણી કલાકો સુધી સંગ્રહ કરવા છતાં પાણી નહીં છોડે અને એકદમ ઘટ્ટ રહેશે.
  4. લીંબુનો રસ
    ચટણી બની ગયા પછી અથવા પીસતી વખતે તેમાં લીંબુના રસના થોડાં ટીપાં ઉમેરો. લીંબુમાં રહેલું વિટામિન C ચટણીને ઓક્સિડાઇઝ (કાળી) થતી અટકાવે છે અને તેનો નેચરલ લીલો રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.
  5. બેસન ભુજિયા કે સેવ
    જો ઘરમાં દહીં કે દાળિયા હાજર ન હોય, તો ચટણી પીસતી વખતે તેમાં થોડી ચણાના લોટની તીખી કે મોળી ભુજિયા સેવ ઉમેરી દો. આનાથી ચટણીનો સ્વાદ, સુગંધ અને રંગ ત્રણેય એકદમ પરફેક્ટ અને રેસ્ટોરન્ટ જેવા બનશે.