બચેલા ચણામાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી કબાબ: નાસ્તા માટે બેસ્ટ હાઇ-પ્રોટીન ઓપ્શન, જાણો સરળ રીત

ઘણીવાર ઘરે પ્રસંગ કે પાર્ટી હોય ત્યારે રસોઈ વધારે બની જતી હોય છે. ખાસ કરીને ચણાનું શાક બચી જાય ત્યારે તેને ફરીથી એ જ સ્વરૂપમાં ખાવાનું કોઈને ગમતું નથી. પરંતુ ફ્રિજમાં રાખેલું આ શાક બગડતું નથી, તો તેને ફેંકી દેવાને બદલે એક મસ્ત નવો નાસ્તો બનાવી શકાય છે. રાતના વધેલા ચણામાંથી તમે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હાઇ-પ્રોટીન કબાબ તૈયાર કરી શકો છો. આ વાનગીથી મોંનો સ્વાદ પણ બદલાશે અને ઘરમાં બધા ચટાકેદાર નાસ્તો માણી શકશે. ચાલો જાણીએ આ ચણા કબાબ બનાવવાની વિગતવાર રીત:
ચણા કબાબ બનાવવાની રીત:

  • સ્ટેપ ૧: સૌપ્રથમ બચેલા ચણાને ગ્રેવીમાંથી અલગ કરી લો અને તેને બરાબર મેશ કરી લો (જો ગ્રેવી ઘાટી હોય તો સાથે જ મેશ કરી શકાય). ત્યારબાદ તેમાં ૧-૨ બાફેલા બટાકા મેશ કરીને ઉમેરો. બાઇન્ડિંગ માટે થોડો બેસન (ચણાનો લોટ) ઉમેરો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરો.
  • સ્ટેપ ૨: કબાબનો સ્વાદ બમણો કરવા માટે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને લીલી કોથમીર ઉમેરો. સાથે થોડું ઝીણું સમારેલું આદુ-લસણ પણ મિક્સ કરો. આ બધી સામગ્રીને હાથથી બરાબર ભેગી કરી મિશ્રણ તૈયાર કરો. હવે હાથ પર થોડું તેલ લગાવીને નાના-નાના ગોળ કે ચપટા કબાબનો આકાર આપો.
  • સ્ટેપ ૩: એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તૈયાર કરેલા કબાબને પેન પર મૂકીને ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

આ ગરમાગરમ કબાબને લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો. આ સ્વાદિષ્ટ કબાબ ખાધા પછી કોઈ ઓળખી પણ નહીં શકે કે તે બચેલા ચણામાંથી બન્યા છે.
બીજો એક ઉત્તમ વિકલ્પ:જો તમારે કબાબ ન બનાવવા હોય તો આ મેશ કરેલા ચણાને ઘઉંના લોટમાં ભેળવીને મસળી લો. તેનાથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી ચણાના પરાઠા બની જશે, જે બાળકોના ટિફિન બોક્સ માટે પણ એક પૌષ્ટિક વિકલ્પ છે.

રિલેટેડ ન્યૂઝ