શિયાળાની ઋતુમાં બજારમાં તાજા અને મીઠા મૂળા વિપુલ પ્રમાણમાં મળતા હોય છે. મૂળા પેટ અને પાચન માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મૂળાના પરોઠા, શાક કે સલાડ બનાવીને ખાતા હોય છે, પરંતુ જો તમને અથાણું ખાવાનો શોખ હોય તો તમે મૂળાનું ચટાકેદાર અથાણું પણ બનાવી શકો છો. અહીં જણાવેલી ઈન્સ્ટન્ટ રેસીપીથી અથાણું બનાવવા માટે તેને દિવસો સુધી તડકામાં સુકવવાની કે આથો આવવાની રાહ જોવી નહીં પડે. આ અથાણું તમે ઝટપટ બનાવીને તરત જ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો.
જરૂરી સામગ્રી:
- મૂળા: ૨ નંગ (છોલીને લાંબા ટુકડા કરેલા)
- લીલા મરચાં: ૨ નંગ (ઊભા સમારેલા)
- રાઈનો કુરીયો/પીસેલી રાઈ: ૧ ચમચી
- આમચૂર પાવડર: ૧/૨ ચમચી
- જીરું: ૧ ચમચી
- હિંગ: ૨ ચપટી
- ધાણાજીરું પાવડર: ૨ ચમચી
- હળદર: ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર: ૧/૨ ચમચી
- તેલ, મીઠું અને લીલા ધાણા: સ્વાદ અને જરૂરિયાત મુજબ
બનાવવાની રીત:૧. વઘાર કરવો: સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરી હળવા તળી લો અને પછી મૂળાના ટુકડા ઉમેરીને બરાબર સાંતળી લો.૨. મસાલા ઉમેરવા: હવે મૂળામાં હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. મૂળા ઝડપથી ચડી જાય તે માટે થોડું પાણી છાંટીને ઢાંકી દો જેથી મૂળા નરમ થઈ જાય.૩. છેલ્લો ટચ: મૂળા સહેજ ચડી જાય એટલે તેમાં પીસેલી રાઈ (રાઈનો કુરિયો) અને આમચૂર પાવડર ઉમેરીને સરસ રીતે ભેળવી દો. અથાણું તમારી પસંદગી મુજબ સહેજ રસાવાળું કે કોરું થાય ત્યાં સુધી ચડવા દો. છેલ્લે ઉપરથી લીલા ધાણા ભભરાવી ગેસ બંધ કરી દો.
તમારું ચટાકેદાર ઈન્સ્ટન્ટ મૂળાનું અથાણું તૈયાર છે! અથાણું ઠંડું થાય એટલે કાચની બરણીમાં ભરી લેવું. આ અથાણું ૧ થી ૨ દિવસ સુધી સારું રહે છે અને ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.