શિવતત્વનું જ્ઞાન થતા સાધકની મુક્તિ નિશ્ર્ચિત જાણવી

પરમાત્મા શિવ નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં ગુણવાન કહેવાય છે.નિર્ગુણ એવા પરમાત્મા થકી જ સર્વ ઉત્પન્ન થયું છે તે સર્વ શિવરૂપ જ છે.પરમાત્મા શિવ આ સૃષ્ટિની પૂર્વે હતા,મધ્યે પણ છે અને અંતમાં પણ હોવાથી તે સદાશિવ કહેવાય છે.કાળથી પર છે એથી મહાકાળ કહેવાય છે,સર્વ વિદ્યાના અધિષ્ઠાતા અને સર્વની ઉપર અનુગ્રહ કરનાર છે.આ સર્વ જગત શિવરૂપ છે,બ્રહ્મા આદિથી લઈને તૃણપર્યન્ત જે કાંઈ જગત દેખાય છે તે સર્વ શિવરૂપ જ છે.પરમાત્મા સર્વને જાણે છે પરંતુ તેમને જાણનારો કોઈ નથી.જગતને રચીને પોતે તેમાં પ્રવેશ કરીને પણ સૂર્ય વગેરે જળમાં રહેલા પ્રતિબિંબથી દુર રહે છે તેમ પરમાત્મા દૂર રહે છે.પરમાત્માનું સર્વાત્મકપણું હોવાથી પ્રવેશ ન કરવા છતાં પ્રવિષ્ટ હોય તેમ ભાસે છે. દ્વૈત વિષય બુદ્ધિભેદ અવિદ્યા મુલક છે.વેદાંત જણાનારા પંડિતો કેવળ અદ્વૈતને જ માને છે. કારણ કે, જીવ પરમાત્માનો જ અંશ છે માટે પરમતમાંથી ભિન્ન નથી.અવિદ્યા-અજ્ઞાનના કારણે જીવ પોતાને પરમાત્માથી જુદો ગણે છે. અવિદ્યાનો નાશ થાય તો તે શિવરૂપજ થાય.સર્વત્ર એક માત્ર શિવજ રહ્યા હોવા છતાં અવિદ્યાને લીધે સઘળું વિવિધ પ્રકારનું ભાસે છે.જે પરમાત્માનો ભક્ત છે તેને સર્વત્ર શિવ ભાસે છે.જેમ આકાશ એક હોવા છતાં ઘડા વગેરેમાં ભેદરૂપે દેખાય છે,માટી એક છે પરંતુ ઘડો વગેરે વિવિધ છે,જેમ સુવર્ણ એક છતાં અલંકારે કરીને અનેક છે તેવી રીતે પરમાત્મા પણ અહંકારઆદિક ઉપાધિ ભેદથી ભિન્ન દેખાય છે.ખરેખર તો કાર્ય અને કારણમાં કોઈ ભેદ નથી.જે રીતે બીજમાંથી વૃક્ષ અને ફળ થાય છે અને ફળના બીજમાંથી ફરીને વૃક્ષ અને ફળ થાય છે તેવી રીતે સૃષ્ટિની પૂર્વે અને અંતે બ્રહ્મ જ રહે છે.પરમપિતા પરમાત્મા સર્વ વ્યાપક છે છતાં સર્વને મિથ્યાપણું હોવાથી ક્યારેય પણ તેમાં પરમાત્મા સંબદ્ધ થતા નથી.અવિદ્યા થકી હું કર્તા છું એવો જે અહંકાર તેના થકી જીવ કહેવાય છે,અહંકારથી મુક્ત જીવ એ શિવરૂપ થાય છે.અહંકારયુક્ત આત્મા બંધનમાં મુકાય છે. અજ્ઞાનનો આશ્રય કરીને રહેલો જીવ ભક્તિભાવે સદગુરુ પામી શિવની બુદ્ધિએ કરીને પૂજન,સ્મરણ,ધ્યાન અને સ્તવન કરે ત્યારે તે પાપમુક્ત થાય છે,અજ્ઞાનનો નાશ થાય છે.આ શરીર અસ્થિર છે,નિત્યરૂપ એવા સનાતન શિવને ભજનાર સાધક અજ્ઞાનનો નાશ થવાથી જ્ઞાનવાન થાય છે ત્યારે તે શિવભાવને પામે છે.શિવતત્વના જ્ઞાનનું કારણ આત્મયોગ છે.આત્મયોગનું કારણ સ્મરણ,કીર્તન,શિવની ભક્તિ,ભક્તિનું સાધન ભગવાન પ્રત્યે પ્રેમભાવ,પ્રેમનું કારણ વેદાંતનું શ્રવણ, તેનું કારણ સત્પુરુષોનો સંગ,સંગનું કારણ સદગુરુ.એ રીતે શિવતત્વનું જ્ઞાન થવાથી સાધક અવશ્ય મુક્તિ પામે છે.ૐ નમ: શિવાય…

શિવ મહિમા કિરણ ગોહિલ

રિલેટેડ ન્યૂઝ