યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે,નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ:
અહી ત્રિવેણી સંગમની બાજુમાં બાવનમી શકિતપીઠ તરીકે પ્રખ્યાત બનેલા મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. અહીં કહેવાય છે કે માતાજીએ જયારે હવનમાં આત્મસમર્પણ કરીને દેહત્યાગ કરેલો ત્યારે તેમનું ઉદર (પેટ) અહીં પડયું હતું. જેની અહી પૂજા થાય છે. આ બાબતે મહાકાળી મંદિર ના મહંત નારાયણ ગીરી બાપુ એ જણાવ્યું કે ગુરૂવારે મહાકાલી મંદિરમાં સવારે સાત વાગ્યે પાંચ પંડીતો દ્વારા મંદિરમાં ઘટ સ્થાપન થશે. તેમજ દુર્ગાસપ્તશતિ ચંડીપાઠના પાઠ થશે. સાતમી નવરાત્રિના દિવસે બાલિકા ક્ધયા પૂજન થશે. જયારે નવમા નોરતે હવન અને ભોજનપ્રસાદ થશે. એ વખતે અનેક માઈ ભક્તો ખાસ ઉપસ્થિત રહેશે. નવ નોરતા દરમિયાન રોજ રોજ માતાજીના આરાધન થશે. સોમનાથ આવતા આ મંદિરે ખાસ દર્શન માટે આવે છે. આ ઉપરાંત અહીના સ્થાનિક લોકો પણ નિયમિત દર્શન કરવા આવે છે. અહી મહાકાલી મંદિર ઉપરાંત ખોડીયાર, વાઘેશ્વરી, ભદ્રકાળી, હિંગળાજ, ગૌરીકુંડ, કનકાઈ માતાજી મંદિર સહિત અનેક માઈ મંદિરો આવેલા છે. ત્યાં પણ જપ તપ અનુષ્ઠાન થશે.