દેવાધિદેવ મહાદેવની આરાધનાના પરમ પર્વ એવા પવિત્ર શ્રાવણ માસના અંતિમ તબક્કામાં શ્રી સોમનાથ તીર્થધામ ખાતે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. શ્રાવણ વદ દશમ તથા રવિવારના અલૌકિક સુભગ સમન્વયે દેશ-વિદેશમાંથી ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે સોમનાથ મહાદેવને અત્યંત ભાવપૂર્વક વિશિષ્ટ ‘બિલ્વપત્ર શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસર “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠ્યું હતું.