Jai Hind

સોમનાથ બન્યુ યાત્રિકોનું પ્રથમ પસંદગીનું તિર્થસ્થાન : બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન એવોર્ડ

વેકેશનના ત્રિ-દિવસીયમાં 1.50 લાખ અને પુરૂષોત્તમ માસના અંતિમ સપ્તાહમાં 3.75 લાખ ભાવિકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો


પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ-વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પસંદગીનું અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ભક્તોના આ અવિરત પ્રવાહ અને મંદિરની શ્રેષ્ઠ વ્યવસ્થાપનની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. તાજેતરમાં જ સોમનાથ મંદિરને ’ઇન્ડિયા ટુડે ટૂરિઝમ સર્વે એન્ડ એવોર્ડ્સ 2026’ માં ’સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રાસ્થાન’ ના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યું છે.
સોમનાથ તીર્થ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તાજેતરમાં આવેલા સળંગ ત્રિ-દિવસીય વેકેશન (રજાઓ) દરમિયાન જ આશરે 1.50 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
આ ઉપરાંત, પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ના આખરી સપ્તાહમાં, એટલે કે અગિયારસથી લઈને અમાસ સુધી ભક્તોનો અવિરત માનવ મહેરામણ હરિ-હરના દર્શને ઉમટી પડ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, માત્ર આ અંતિમ સપ્તાહ દરમિયાન જ 3.75 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું.