વેસ્ટ ઈન્ડિઝના બેટર ડેવોન થૉમસ પર ફિક્સિગં સહિત સાત આરોપ લાગતાં કરાયો સસ્પેન્ડ

14 દિવસની અંદર જવાબ આપવા આઈસીસીનો આદેશ: લંકા પ્રિમીયર લીગ ઉપરાંત અબુધાબી ટી-10 અને કેરેબિયન પ્રિમીયર લીગમાં બુકીઓએ સંપર્ક કર્યો હોવા છતાં તેની જાણકારી ન આપી

નવીદિલ્હી, તા.24
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ લંકા પ્રિમીયર લીગ-2021માં કથિત રીતે મેચ ફિક્સ કરવાનું કાવતરું ઘડવા અને એ વર્ષે બે અન્ય ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હોવાના આરોપમાં વેસ્ટ ઈન્ડિઝના બેટર ડેવોન થૉમસને સસ્પેન્ડ કરી દીધો છે. વિન્ડિઝ વતી ઑગસ્ટ-2022માં રમનારા થૉમસ ઉપર આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી કલમ હેઠળ સાત આરોપ લાગ્યા છે. થૉમસ દુબઈમાં યુએઈ વિરુદ્ધ આગામી વન-ડે શ્રેણી માટે ટીમમાં પસંદ થયો હતો.
ફિક્સિગંના આરોપો ઉપરાંત 33 વર્ષીય થૉમસ ઉપર અબુધાબી ટી-10 લીગ અને કેરેબિયન પ્રિમીયર લીગમાં બુકીઓ દ્વારા કરવામાં આવેલા સંપર્કની જાણકારી નહીં આપ્યાનો પણ આરોપ છે. તેને જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે શ્રીલંકા ક્રિકેટ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને કેરેબિયન પ્રિમીયર લીગ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પરિષદે વિન્ડિઝના ખેલાડી ડેવોન થૉમસ પર ભ્રષ્ટાચાર વિરોધી કલમો હેઠળ સાત જેટલા આરોપ લગાવ્યા છે એટલા માટે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યો છે.
આઈસીસીએ એવો પણ દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન થૉમસે અધિકારીઓને સહયોગ આપ્યો નથી. થૉમસ વિન્ડિઝ માટે એક ટેસ્ટ, 21 વન-ડે અને 12 ટી-20 મેચ રમી ચૂક્યો છે.

રિલેટેડ ન્યૂઝ