વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રનો વિજય પ્રારંભ

પ્રથમ મેચમાં 150થી વધુ રનથી વિજય: ચારૂચેટ યુનિ.ને 84 રનમાં તંબુ ભેગી કરી: રામદેવ આચાર્યની સદી, કેપ્ટનની પાંચ વિકેટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધાની શરૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અત્યંત દમદાર અને શાનદાર પ્રદર્શન સાથે કરી છે. આયોજક ટીમ તરીકે પ્રથમ જ મેચમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શ્રેષ્ઠ સંતુલન, આક્રમક બેટિંગ અને ઘાતક બોલિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના પ્રથમ મેચમાં ચારુચેટ યુનિવર્સિટી સામે ટોસ જીતી બેટિંગ કરી અને ચાર વિકેટના નુકસાને 253 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. આ મેચમાં રામદેવ આચાર્યએ શાનદાર બેટિંગ કરી 104 રન બનાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પ્રથમ મેચમાં જ સદી નોંધાવી. ઓપનિંગ બેટ્સમેન કેરવ રાવલે 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી ટીમને મજબૂત શરૂઆત આપી હતી.
અંતિમ ઓવરોમાં લકીરાજ જાડેજાએ માત્ર 15 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી ટીમનો સ્કોર 253 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂણ ફાળો આપ્યો
હતો. 253 રનના લક્ષ્ય સામે ચારુચેટ યુનિવર્સિટીનો આખો દાવ માત્ર 84 રનમાં પૂરો થઈ ગયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડે શાનદાર બોલિંગ કરી પાંચ વિકેટ મેળવી મેચનો પલડો સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તરફેણમાં વાળી દીધો.
મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ ટ્રોફી ડો. જયદીપસિંહ ચૌહાણ અને ડો. વિપુલ પરમારના હસ્તે આપવામાં આવી હતી.
ટીમના કોચ આસિફભાઈ અને મેનેજર સંજયકુમાર ખાણીયાએ ટીમને ઉત્તમ સંતુલન સાથે તૈયાર કરી ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવ્યું હોવાનું પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ