ડબલ સિદ્ધિ મેળવી, ખેલો ઈન્ડિયા માટે પણ ક્વોલીફાઈ થઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓની ટીમે ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી ઐતિહાસિક ડબલ સિદ્ધિ નોંધાવી છે. ટીમે પ્રથમ વખત ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી ટોપ-8માં પ્રવેશ કર્યો છે, તેમજ સાથે સાથે ખેલો ઇન્ડિયા માટે પણ ક્વોલિફાય થઈને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓની ટીમ અત્યાર સુધી આ સ્તરે પહોંચી ન હતી, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ગૌરવ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે. વેસ્ટ ઝોન સ્પર્ધામાં મેડલ મેળવીને ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થયેલી ટીમે લીગ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં ટીમે આંધ્રપ્રદેશ સામે ચાર ગોલની લીડથી જીત મેળવી હતી. બીજી મેચમાં પંજાબી યુનિવર્સિટી, પટિયાલા સામે બે ગોલથી વિજય મેળવીને આત્મવિશ્વાસ વધાર્યો હતો. ત્યારબાદ ત્રીજી અને અંતિમ લીગ મેચમાં મેઘાલય યુનિવર્સિટી સામે જીત મેળવીને ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પક્કું કર્યું હતું. ટોપ-8માં સ્થાન પ્રાપ્ત કરીને ટીમે ખેલો ઇન્ડિયા માટે પણ ક્વોલિફાય થવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા તેમજ શારીરિક શિક્ષણ વિભાગના તમામ અધ્યાપકો અને કર્મચારીઓએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.