આઈપીએલની છેલ્લી સીઝન પૂરી થયા બાદ હવે તમામ ફ્રેન્ચાઇઝીઓ ભવિષ્યની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની ગઈ છે. આ કડીમાં દિલ્હી કેપિટલ્સ (DC) પોતાની ટીમને વધુ મજબૂત કરવા માટે સપોર્ટ સ્ટાફમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, ૪૪ વર્ષીય સિક્સર કિંગ યુવરાજ સિંહ આગામી સીઝનમાં દિલ્હીની ટીમના નવા બેટિંગ કોચ તરીકેની કમાન સંભાળી શકે છે.
નિવૃત્તિ બાદ યુવરાજ સિંહ પ્રથમ વખત સત્તાવાર રીતે આઈપીએલના કોઈ કોચિંગ સેટઅપનો હિસ્સો બનશે.
યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે
યુવરાજ સિંહ ભલે ઓફિશિયલ કોચ તરીકે પહેલીવાર મેદાનમાં આવી રહ્યા હોય, પરંતુ પડદા પાછળ તેઓ લાંબા સમયથી ભારતના યુવા સ્ટાર્સના માર્ગદર્શક રહ્યા છે.
અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય જેવા આક્રમક બેટ્સમેનોને નેટ્સમાં ટ્રેનિંગ આપીને નિખારવામાં યુવરાજ સિંહનો બહુ મોટો હાથ રહ્યો છે. આ તમામ ખેલાડીઓએ તાજેતરની સીઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન પણ કર્યું છે. હવે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોને પણ યુવીના આ પાવર-હિટિંગ ક્લાસનો સીધો લાભ મળશે.
કેમ જરૂરી બન્યો આ ફેરફાર?
દિલ્હી કેપિટલ્સ માટે છેલ્લી સીઝન ખૂબ જ ચડાવ-ઉતારવાળી રહી હતી. શરૂઆત સારી રહ્યા બાદ ટીમ લય ગુમાવી બેઠી હતી અને ૧૪ મેચમાંથી માત્ર ૭ મેચ જીતી શકતા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. કેપ્ટન અક્ષર પટેલ અને હેડ કોચ હેમાંગ બદાનીના કેટલાક નિર્ણયોની ટીકા પણ થઈ હતી.
આ નબળા પ્રદર્શનને ભૂલીને આગામી સમયમાં ટ્રોફી જીતવાના ઈરાદા સાથે ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ બદલી રહી છે. ચર્ચા છે કે યુવરાજ સિંહની સાથે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ફરી એકવાર દિલ્હીના સપોર્ટ સ્ટાફમાં કમબેક કરશે.
