ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા શ્રીસંત પર લાદવામાં આવેલો ત્રણ વર્ષનો પ્રતિબંધ સત્તાવાર રીતે હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી સંજુ સેમસનની પસંદગીને લઈને ચાલી રહેલા મોટા વિવાદનો આખરે અંત આવ્યો છે.
૧ જુલાઈના રોજ યોજાયેલી કેસીએ (KCA) ની સ્પેશિયલ જનરલ બોડી મીટિંગમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. આ બેઠક પહેલા શ્રીસંતે એસોસિએશન વિરુદ્ધ આપેલા પોતાના નિવેદનો બદલ ઊંડો ખેદ વ્યક્ત કરીને બિનશરતી માફી માંગી લીધી હતી.
એસોસિએશને આપી કડક ચેતવણી
કેરળ ક્રિકેટ એસોસિએશને એક સત્તાવાર યાદી જાહેર કરીને જણાવ્યું છે કે, શ્રીસંતે પોતાના વર્તન બદલ માફી માંગી લીધી હોવાથી સંગઠને ઉદાર વલણ અપનાવીને પ્રતિબંધ પાછો ખેંચ્યો છે. જો કે, તેની સાથે જ ક્રિકેટરને કડક શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં જો એસોસિએશનની છબી ખરડાય તેવું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે, તો વધુ આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
ફરી સંભાળશે ફ્રેન્ચાઈઝીની જવાબદારી?
આ પ્રતિબંધ હટવાના કારણે શ્રીસંતને મોટો ફાયદો થયો છે. હવે તે કેરળ ક્રિકેટ લીગ (KCL) માં ફરી સક્રિય થઈ શકશે. અગાઉ પ્રતિબંધના કારણે તેની પાસેથી ‘એરીઝ કોલ્લમ સેઇલર્સ’ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક (Co-owner) તરીકેની ભૂમિકા છીનવી લેવામાં આવી હતી, જે હવે તેને પાછી મળી જશે.
આખરે શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદ ગત કેસીએલ (KCL) સીઝન દરમિયાન શરૂ થયો હતો. તે સમયે કેરળની વિજય હજારે ટ્રોફી ટીમ અને ભારતની ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી સ્ટાર ખેલાડી સંજુ સેમસનની બાદબાકી કરવામાં આવી હતી. આ પસંદગી પ્રક્રિયાથી નારાજ થઈને શ્રીસંતે જાહેરમાં કેરળ ક્રિકેટ એસોસિએશનની આકરી ટીકા કરી હતી. KCA નું માનવું હતું કે શ્રીસંતની આ ટિપ્પણીઓથી સંસ્થાની બદનામી થઈ છે, જેના પગલે તેના પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો.