ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસની ત્રણ મેચોની વનડે (ODI) શ્રેણી માટે પોતાની કમર કસી લીધી છે. હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી રહી છે, જેમાં હવે માત્ર બે મેચ બાકી છે. આ T20 શ્રેણી પૂર્ણ થયા બાદ વનડે ફોર્મેટની મેચો રમાશે. જોકે, રોહિત શર્મા શિડ્યુલ કરતાં વહેલા લંડન પહોંચી ગયો છે, જેથી ત્યાંની પરિસ્થિતિઓ અને હવામાન સાથે તાલમેલ મિલાવી શકાય.
હવે માત્ર વનડે ફોર્મેટ પર ફોકસ
ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, રોહિત શર્મા હવે માત્ર વનડે ક્રિકેટમાં જ એક્શનમાં જોવા મળે છે. બ્રિટનની પડકારજનક પીચો પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના હેતુથી તેણે વહેલા પહોંચીને પ્રેક્ટિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પૂર્વે રમાયેલી અફઘાનિસ્તાન સામેની હોમ વનડે સિરીઝમાં રોહિતે શાનદાર પ્રદર્શન કરતા એક અર્ધસદી સાથે ૧૪૩ રન બનાવ્યા હતા.
બ્રિટનની ધરતી પર રોહિતનો દબદબો
ઇંગ્લેન્ડમાં રોહિત શર્માનો વનડે રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે. તેણે ત્યાં ૨૭ ઇનિંગ્સમાં ૬૪.૯૦ની શાનદાર સરેરાશથી કુલ ૧૪૨૮ રન ફટકાર્યા છે, જેમાં ૭ સદી અને ૭ અડધી સદી સામેલ છે. ખાસ વાત એ છે કે આ ૭ સદીમાંથી ૫ સદી તો તેણે ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપ દરમિયાન જ ફટકારી હતી. કોઈ એક સિંગલ વર્લ્ડ કપમાં ૫ સદી ફટકારનારો તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે અને આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. તાજેતરમાં જ રોહિત શર્માને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી અને ૧૧૨ અડધી સદીની મદદથી ૨૦,૦૦૦થી વધુ રન બનાવ્યા છે.
૧૪ જુલાઈથી વનડે જંગ, ગિલ સંભાળશે કમાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વનડે શ્રેણીની શરૂઆત ૧૪ જુલાઈથી બર્મિંગહામ ખાતે થશે. ત્યારબાદ શ્રેણીની બીજી મેચ ૧૬ જુલાઈએ કાર્ડિફમાં અને ત્રીજી તેમજ અંતિમ મેચ ૧૯ જુલાઈએ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે. આ વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ યુવા ઓપનર શુભમન ગિલ કરશે. આ વનડે શ્રેણીની સમાપ્તિ સાથે જ ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ થશે.