કેન્દ્રીય વિદ્યાલયમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવાયો

શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મૈત્રી પૂર્ણ વોલીબોલ મેચ યોજાઇ: પરંપરાગત રમતને પ્રોત્સાહન આપવા કબડ્ડીનું પણ થયું આયોજન

પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઈ હતી.
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, પોરબંદરમાં ભારતના મહાન હોકી જાદુગર અને દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની અત્યંત ઉત્સાહભેર અને ઉમંગપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સભાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મેજર ધ્યાનચંદજીના જીવન, ભારતીય હોકીમાં તેમના અમૂલ્ય યોગદાન અને તેમની અદભૂત રમતિયાળ સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મેજર ધ્યાનચંદજીને વિશ્વભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત, સમર્પણ, ધીરજ અને ખેલદિલી જેવા જીવનમૂલ્યો અપનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાલયમાં વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ વોલીબોલ મેચ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મેચ દરમિયાન સમગ્ર વિદ્યાલયમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રમતગમત દ્વારા સ્વસ્થ સ્પર્ધા અને ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભારતીય પરંપરાગત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત ફૂટબોલ પ્રવૃત્તિમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની રમતિયાળ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
પ્રાથમિક વિભાગના નાનાં વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વિવિધ મનોરંજક અને શારીરિક વિકાસલક્ષી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ડલ રેસ, હુલા હૂપ રિલે અને સાત પથ્થર જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ચપળતા, સંતુલન, શરીરનું સંકલન, ટીમવર્ક અને રમત પ્રત્યેની રૂચિ વિકસાવવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાલયના આચાર્યશ્રી રાકેશ કાંતિવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે શિક્ષણની સાથે રમતગમત પણ જીવનનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. રમતગમત શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક શક્તિ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, શિસ્ત અને ટીમભાવનાનો વિકાસ કરે છે.
સમગ્ર કાર્યક્રમના આયોજનમાં વિદ્યાલયના સ્પોર્ટ્સ શિક્ષિકા શ્રીમતી કિરણ રાજપૂતએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના સફળ આયોજન અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીને યાદગાર બનાવી.
આ સમગ્ર ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન નો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો તેમજ નિયમિત રમતગમત, શારીરિક તંદુરસ્તી, ખેલદિલી અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીને કારણે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં યોજાયેલી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અત્યંત સફળ, પ્રેરણાદાયી અને યાદગાર બની હતી.

રિલેટેડ ન્યૂઝ