દેહરાદૂનમાં સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી અમરેલીની તિતિક્ષાનો સ્કેટિંગમાં ડંકો

500 મીટર ઇનલાઇન સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ, 200 અને 1000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યા

તાજેતરમાં ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં યોજાયેલી અંડર-11 ઓપન સ્કેટિંગ ટૂર્નામેન્ટમાં અમરેલીની પ્રતિભાશાળી ખેલાડી તિતિક્ષા શર્માએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ સહિત ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે.
ગત તા. 24ના રોજ અથરાઈસ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં તિતિક્ષાએ 500 મીટર ઇનલાઇન સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક જીત્યો હતો, જ્યારે 200 મીટર અને 1000 મીટરની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની રમત કૌશલ્યનો પરચો આપ્યો હતો. તિતિક્ષાની આ સિદ્ધિથી અમરેલી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને રમતગમત ક્ષેત્રે નાની ઉંમરથી જ તેની પ્રતિભા ઉજાગર થઈ છે.
તિતિક્ષા શર્માએ આ સફળતાનો શ્રેય પોતાના કોચ શુભમ સર, વિવેક સર અને આદિત્ય સરના માર્ગદર્શન સાથે માતા ચાંદનીબેન તથા પિતા પ્રતીક શર્માના સતત પ્રોત્સાહનને આપ્યો છે. કોચના માર્ગદર્શન, નિયમિત મહેનત અને પરિવારના સહકારના પરિણામે તિતિક્ષાએ સ્કેટિંગ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે તિતિક્ષા શર્મા અગાઉ પણ સ્કેટિંગમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકી છે. અમરેલીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતની
જિલ્લા રમતગમત કચેરી દ્વારા 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ-5માં અભ્યાસ કરતી તિતિક્ષાએ અંડર-11 વિભાગની 500 મીટર અને 1000 મીટર બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાત જેટલી સ્પર્ધકો વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેણે બંને સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. વિશેષ વાત એ છે કે તિતિક્ષાએ અગાઉના વર્ષે પણ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ