ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની 6 વીરાંગના ઑલિમ્પિક્સમાં

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી,તા.2
ઓલિમ્પિક એ આખા જગતને એક મંચ પર લાવતો રમતોત્સવ છે. એમાંય અત્યારે તો આધુનિક ઓલિમ્પિકને સવાસોમું વર્ષ ચાલી રહ્યું છે. 1896માં એથેન્સમાં પ્રથમ મોર્ડન ઓલિમ્પિકનું આયોજન થયું હતું. જાપાનના ટોકિયોમાં 32મી ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે. એમાં ગુજરાતમાંથી એક સાથે છ મહિલા-યુવતીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. ગુજરાતના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે, જ્યારે એક સાથે
આટલા લોકો ક્વોલિફાઈ (પસંદ) થયા હોય.

 1. માના પટેલ (સ્વિમિંગ)
  ગુજરાત પાસે દેશમાં સૌથી વધુ લાંબો દરિયો છે, પરંતુ તરણની રમત આપણે ત્યાં જોઈએ એટલી વિકસી નથી. એ વચ્ચે માના પટેલ સ્વિમિંગમાં સિલેક્ટ થઈ છે. આપણા માટે તો સ્વિમિંગ એટલે તરણ પરંતુ તેના વિવિધ પ્રકાર છે. અત્યારની ઓલિમ્પિકમાં સામાન્ય રીતે સ્વિમિંગની અલગ અલગ 16 ઈવેન્ટ યોજાય છે. માના તેમાંથી બેકસ્ટ્રોક સ્વિમિંગમાં ભાગ લેશે.
  માના પટેલનો જન્મ 18 માર્ચ, 2000ના રોજ થયો હતો. માના તેની કેટેગરીમાં ભારતના સર્વોચ્ચ ક્રમાંક ધરાવતા સ્વિમર છે. માના પટેલ સ્વિમરમાં 735 પોઈન્ટ ધરાવે છે. માનાએ હૈદરાબાદમાં યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે.
 2. અંકિતા રૈના (ટેનિસ)
  ગુજરાતી યુવતી અંકિતા પણ ટોકિયો જશે અને ટેનિસના મેદાન પર સટાસટી બોલાવશે. અંકિતા ટેનિસમાં સિંગલ નહીં પણ ડબલ ગેમ રમશે. એટલે કે એ બીજા ખેલાડી સાથે મેદાનમાં ઉતરશે. સદભાગ્યે તેને ડબલમાં જોડી સાનિયા મિર્ઝા સાથે બનાવવાની છે.
  અમદાવાદમાં જન્મેલી અંકિતા 28 વર્ષની છે અને વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં તેનો 95મો ક્રમ છે. અત્યાર સુધીમાં એ 11 સિંગલ અને 18 ડબલ ટાઈટલ જીતી ચૂકી છે. ટેનિસ ભારતમાં બહુ મહત્વની ગેમ નથી ગણાતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગેમ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે.
 3. સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ)
  ટેબલ ટેનિસ જાણીતી રમત છે. પેરા ટેબલ ટેનિસ તેનો જ એક પ્રકાર છે. જે ખેલાડીઓના પગમાં ખામી હોય, વ્હિલચેર પર બેસતા હોય કે શરીરમાં વિકલાંગતા હોય એમના માટે આ સ્પર્ધા છે. તેમાં વ્હિલચેરમાં બેસીને ભાગ લઈ શકાય છે. પગ સિવાય અન્ય અંગોમાં ખામી હોય તો તેનો સમાવેશ પણ પેરામાં થાય છે.
  અમદાવાદમાં ગોતા વિસ્તારના દ્વારકા એપાર્ટમેન્ટમાં રહેતી 34 વર્ષીય સોનલ પટેલનું ટોકિયો ખાતે યોજાનાર પેરાલિમ્પિકમાં સિલેક્શન થયું છે.
 4. ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)
  ભાવિના પણ પેરા ટેબલ ટેનિસ રમે છે, કેમ કે એ દિવ્યાંગ છે. ભાવિના સવા દાયકાથી વિવિધ લેવલે પેરા ટેબલ ટેનિસ રમે છે. આ પસંદગી અંગે તેણે કહ્યું હતું, ટોકિયો ખાતે યોજાનારા રમતોત્સવમાં મારું સિલેક્શન થયું છે જેના લીધે પરિવારને ઘણી ખુશી થઇ છે. 28 વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડમેડલ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝમેડલ જીત્યા છે.
 5. ઈલાવેનિલ વલારીવન (શૂટિંગ)
  નામ પરથી જ ખબર પડી આવે કે ઈલાવેનિલ ગુજરાતી નથી, જન્મે તમિલ છે પણ ઉછેર અમદાવાદમાં થયો છે. શૂટિંગની તાલમી પણ અહીં લીધી છે. એટલે એ રીતે તેને ગુજરાતી ગણી શકાય. વિવિધ સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિવ્લર મેડલ તેમણે મેળવ્યા છે.
  ઓલિમ્પિકમાં ભારત તરફથી અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં મેડલ મેળવ્યા પછી ભારતીયોનું ધ્યાન આ રમત પર પડ્યું છે. 21 વર્ષિય ઈલાવેનિલ પાસેથી દેશને ઘણી આશા છે. એર રાઈફલ શૂટિંગમાં એ વર્લ્ડમાં નંબર વન સુધી પહોંચી ચૂકી છે.
 6. પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)
  અગાસી પર કે સોસાયટીની ખાલી જગ્યામાં પણ ફૂલ-રેકેટ લઈને રમી શકાતી આ ગેમથી આપણે અજાણ નથી. પરંતુ ટાઈમપાસ કરવા રમવું અને વૈશ્વિક સ્તરે ડંકો વગાડવો તેમાં ઘણો ફરક છે. પારુલ પરમારે પેરા બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે વધુ સિદ્ધિ માટે ટોકિયો જશે.

પારુલ પરમાર પેરા બેડમિન્ટની વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલો મેળવી ચૂક્યા છે. તેમની અદભૂત રમતને કારણે 2009માં તેઓ અર્જૂન એવોર્ડ મેળવી ચૂક્યા છે. ગાંધીનગરના પારુલબહેનને નાનપણમાં પોલિયો થયો હતો, પણ એ આફતને તેમણે અવસરમાં ફેરવી નાખી છે. તેમના પિતા બેડમિન્ટનના ખેલાડી હતા, એટલે રમત તેમને વારસામાં મળી એમ કહી શકાય.

રિલેટેડ ન્યૂઝ