ઈફૅક્ટ કોરોના: શ્રીલંકાની ક્રિકેટ શ્રેણી હવે 18મીથી

સીરિઝથી લગભગ 90 કરોડ રૂપિયા મળશે
કોરોનાને કારણે તમામ બોર્ડની કમાણી પર ખરાબ અસર પડી છે. ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસની યજમાની બોર્ડ માટે ખૂબજ મહત્ત્વની છે. સીરિઝની દરેક મેચથી શ્રીલંકા બોર્ડને લગભગ 15 કરોડ રૂપિયાની કમાણી થવાની છે. અર્થાત સીરિઝથી લગભગ 90 કરોડ રૂપિયા મળશે. ભારતીય ટીમના સીનિયર ખેલાડી હાલ ઈંગ્લેન્ડ પ્રવાસે છે પરંતુ જૂનિયર ખેલાડીઓને અહીં મોકલવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડ ટીમના કોચ છે.

(પ્રતિનિધિ)
નવીદિલ્હી તા.10
ભારત અને શ્રીલંકા વચ્ચે મર્યાદિત ઓવર સિરીઝ (વન ડે)નું નવું શિડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. હવે બંને દેશો વચ્ચે પહેલી વનડે મેચ 18 જુલાઈએ રમાશે. અગાઉ આ શ્રેણી 13 જુલાઇથી શરૂ થવાની હતી. પરંતુ શ્રીલંકાની ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ટીમના કમ્પ્યુટર એનાલિસ્ટ કોરોના સંક્રમિત થયા બાદ શિડ્યૂલમાં બદલાવ કરવામાં આવ્યો છે. નવા શિડ્યુલ મુજબ, બીજી વનડે 20 અને શ્રેણીની ત્રીજી વનડે 23 જુલાઈએ રમાશે. તે જ સમયે, ટી 20 સિરીઝની શરૂઆત 25 જુલાઈથી થશે. બીજી મેચ 27 અને છેલ્લી મેચ 29 જુલાઈએ રમાશે. શ્રેણીની તમામ મેચ કોલંબોમાં રમાશે.
જણાવી દઈએ કે, શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કમ્પ્યુટર એનાલિસ્ટ જીટી નિરોશન પણ સંક્રમિત થયા હતા. આ પછી, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે (એસએલસી) એ બીસીસીઆઈને સિરિઝનું શિડ્યૂલ બદલવા માટે વિનંતી કરી હતી, જેને બીસીસીઆઈ દ્વારા સ્વીકારવામાં આવી હતી. વળી, યજમાન દેશના બોર્ડે શ્રીલંકાની ટીમની હોટલ બદલવાની માંગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી અને હવે શ્રીલંકાની ક્રિકેટ ટીમને કોલંબોની ગ્રાન્ડ સિનામન હોટલમાં ખસેડવામાં આવી છે. અગાઉ બંને ટીમો તાજ સમુદ્ર હોટલમાં સાથે રોકાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ