સામાજિક સંસ્થા દ્વારા યોજાયું સેવા કાર્ય: મનોદિવ્યાંગ લોકોને સ્વચ્છ કરી નવા કપડાં પહેરવાની સાથે-સાથ ભાવતા ભોજનીયા જમાડવામાં આવ્યા
પોરબંદરમાં સામાજિક સંસ્થા દ્વારા નવા વર્ષની નવતર ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર શહેરમાં લાલા ફાઉન્ડેશન દ્વારા નવા વર્ષની એક અનોખી, અર્થસભર અને માનવતાભરી ઉજવણી કરવામાં આવી, જે સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ બની રહી છે. નવા વર્ષને આનંદ સાથે નહીં પરંતુ સેવાના સંકલ્પ સાથે આવકારવાનો સંદેશ આ પ્રવૃત્તિએ આપ્યો છે.
પોરબંદર શહેરમાં માનવતાની સુગંધ ફેલાવતી અને નિસ્વાર્થ સેવા માટે જાણીતી આ સંસ્થા દ્વારા શહેરના જુદા જુદા ફૂટપાથ પર રહેતા પરમહંસોને એકત્ર કરી તેમને સ્વચ્છતા, સન્માન અને પ્રેમ સાથે જીવનમાં નવી તાજગી અને આત્મગૌરવ આપવાનો માનવીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ માનવતા પ્રત્યેની શ્રદ્ધાનો ઉત્સવ બની રહી.
આ સેવા પ્રવૃત્તિ અંતર્ગત સંસ્થા ના સેવાભાવી યુવાનો દ્વારા છાયા ચોકી, કમલાબાગ, રોકડિયા હનુમાન મંદિર, લીમડા ચોક, નરસંગ ટેકરી, જુના ફુવારા, વીરભનુની ખાંભી, પેરેડાઇઝ ફુવારા, એમ.જી. રોડ, રેલ્વે સ્ટેશન રોડ તેમજ રૂપાળી બાગ એસ.ટી. બસ સ્ટેન્ડ સામે જેવા વિસ્તારોમાં જઈને પરમહંસોને શોધી, પ્રેમપૂર્વક વાતચીત કરીને એકત્ર કરવામાં આવ્યા હતા.
પરમહંસોને સન્માનપૂર્વક રિક્ષામાં બેસાડીને સેવા સ્થળે લાવવામાં આવ્યા. અહીં પહોંચ્યા બાદ દરેક પરમહંસની સંપૂર્ણ કાળજી લેવામાં આવી. તેમની બાલ અને દાઢી કરવામાં આવી, ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ નવા, સ્વચ્છ કપડાં તથા ચંપલ પહેરાવવામાં આવ્ય હતા
નવા વર્ષમાં માનવતાનો સ્વાદ : ભાવભર્યું ભોજન
શારીરિક સ્વચ્છતા બાદ તમામ પરમહંસોને સાથે બેસાડીને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું. ભોજનમાં ગરમા ગરમ રોટલા, ઓરો, સલાડ, છાશ અને પૂરતું પાણી આપવામાં આવ્યું. નવા વર્ષની શરૂઆતમાં મળેલું આ ભરપેટ ભોજન પરમહંસો માટે માત્ર ભોજન નહીં પરંતુ માનવીય લાગણીનો સ્વાદ હતો.ભોજન બાદ પરમહંસોના ચહેરા પર દેખાતો સંતોષ, આંખોમાં ઝળહળતો આનંદ અને હોઠ પર રમતું સ્મિત એ આ સંસ્થા માટે નવા વર્ષની સૌથી મોટી શુભેચ્છા છે.
દક્ષિણા સાથે નવા વર્ષની શુભકામનાઓ
ભોજન બાદ દરેક પરમહંસોને દક્ષિણા રૂપે નાણાં આપી નવા વર્ષની શુભકામનાઓ સાથે આશીર્વાદ મેળવવામાં આવ્યા. ત્યારબાદ એક એક પરમહંસને રિક્ષામાં બેસાડી ફરી તેમની જગ્યાએ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા. નવા વર્ષની ઉજવણીમાં કોઈ પણ પરમહંસ ઉપેક્ષિત ન રહે – એ સંસ્થા નો મુખ્ય સંકલ્પ રહ્યો.
માનવતાનો અદભુત પાઠ : નવા વર્ષની સાચી ઉજવણી.
પરમહંસોની આંખોમાં ઝળહળતો આનંદ, દાઢી કર્યા બાદનું તાજું મુખ અને નવા કપડાં પહેર્યા બાદની ગૌરવભરી ચાલ – આ બધું જ નવા વર્ષની ઉજવણીના જીવંત પ્રતીક બની રહ્યા છે.
પ્રેરણાદાયી શરૂઆત
લાલા ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિએ નવા વર્ષની શરૂઆતમાં સેવા અને સહકારની નવી લહેર જગાવી છે. એક નાના વિચારથી શરૂ થયેલી આ સેવા આજે સમગ્ર શહેર માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહી છે.
ઈશ્વર પણ ખુશ થાય તેવી નવા વર્ષની ઉજવણી
જ્યારે કોઈ યુવાન નવા વર્ષની શરૂઆતમાં ભૂખ્યા માણસને ભોજન કરાવે છે, તરસેલા ને પાણી પીવડાવે છે અને ભૂલાયેલા પરમહંસોને પ્રેમભર્યો સ્પર્શ આપે છે – ત્યારે એ ક્ષણે ઈશ્વર પણ સ્મિત કરે છે. આ અનોખી ઉજવણી એ સાચા અર્થમાં નવા વર્ષને આવકારવાનું ઉત્તમ ઉદાહરણ છે.
