રક્તતુલા યોજાઈ: 246 લોકોએ કાંસ્ય મસાજ થેરાપીનો લાભ લીધો: ગૌ-શાળા માટે રૂ. 51,000ની રાશિ અર્પણ કરાઈ
સાવરકુંડલામાં છેલ્લા 24 વર્ષથી નિ:સ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા ‘સદ્દભાવના ગ્રુપ’ દ્વારા ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ, કાનાતળાવ) ના 87માં પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન, ગૌ-સેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને 107મો મહારક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો.
અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે. કે. મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ (સાવરકુંડલા બ્લડ સેન્ટર) અને વેદ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 189 બોટલ રક્ત એકત્રિત થયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઉષામૈયાની ભવ્ય રક્તતુલા રહી હતી. બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક રક્તદાતાને સંસ્થા તરફથી 3 આકર્ષક સરપ્રાઈઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.રક્તદાનની સાથે ’મહાદેવ હેલ્થ કેર’ દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 246 નાગરિકોએ લાભ લીધો હતો. આ તકે ગત ધુળેટી પર્વે એકત્રિત થયેલ રૂ. 51,000ની રાશિ પૂજ્ય ઉષામૈયાના આશ્રમની ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભક્તિરામ બાપુ, ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઇ રવાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી.
