કેળાના ધંધામાં મંદી આવતા ગાંજાનો વેપલો શરૂ કર્યાની વેપારીની કબૂલાત
માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા હાઇવે રોડ ઉપર એલસીબી ઝોન-2ની ટીમે 37 હજારના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કેળાના વેપારીને ધંધામાં મંદી આવતા મિત્રો સાથે મળી ગાંજાનો વેપાર શરૂ કર્યો હતો અને ચોટીલાથી ગાંજો લાવી રાજકોટ આવ્યા ત્યારે એલસીબીએ ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનાને પગલે એલ.સી.બી. ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમ તથા ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ એચ.એન.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ઝોન-2ની ટીમને મળેલી બાતમીને આધારે રાજકોટ માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા હાઇવે રોડ મનહરપુરના મંદીરની સામે બાણધારી હોટલ આગળ એક ઓટો રીક્ષા રજી નં.જીજે-03-એક્ષ-8696 ને અટકાવી તલાશી લેતા રિક્ષા માંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપ આઇ વિંગ ફલેટ નં.11, અ રહેતા કેળાના વેપારી અમીનશા યાસીનશા શાહમદાર તેમજ ભગવતીપરા ભારતપાનની સામે સદામભાઈ દલવાડીના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ બગસરાના અરમાન રાજુભાઇ ખોખર તેમજ ભગવતીપરા બોરીચા સોસાયટી શેરી નં.3માં રહેતા મોહસીન અલારખાભાઈ શાહમદારની ધરપકડ કરી રૂ. 37 હજારનો 755 ગ્રામ ગાંજો તેમજ રિક્ષા સહીત રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પકડાયેલ કેળાના વેપારી અમીનશા યાસીનશાહને ધંધામાં મંદી આવતા મિત્ર અરમાન રાજુભાઈ ખોખર અને મોહસીન અલારખાભાઇ શાહમદારની સાથે મળી ગાંજાનો વેપાર કરવા ચોટીલાથી ગાંજો લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગેની તપાસ ગાંધીગ્રામ પોલીસને સોપાઈ છે. ગાંધીગ્રામ પોલીસ ટીમ તપાસ માટે ચોટીલા જશે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ એચ.એન.પટેલ સાથે એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા તેમજ સ્ટાફના એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, સલીમભાઈ મકરાણી, હરપાલસિંહ જાડેજા, તથા પો.હેડ કોન્સ.શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાધિયા, રાહુલભાઇ ગોહેલ, તથા પો.કોન્સ.ફુલદીપસિંહ રાણા, પ્રકાશભાઈ સોલંકી, શીવભદ્રસિંહ ગોહિલ, ગાંધીગ્રામ પો.સ્ટે. ના પો.કોન્સ. રધુવીરસિંહ ભરતસિંહ,ભરતભાઈ રામજીભાઇ તથા ડ્રાઇવર શક્તિસિંહ ઝાલાએ કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોપીએ અભિપ્રાય આપ્યો હતો.
