ડો.અજયસિંહ જાડેજા અને જીજ્ઞેશ ચિતલીયાની વરણી કરાઇ
સૌરાષ્ટ્ર યુનિ.ના નવા કુલસચિવ તરીકે ડો. અજયસિંહ જાડેજા તથા આસી. રજિસ્ટ્રારના પદ પર જીજ્ઞેશ ચિતલીયાની પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કુલપતિ ડો. ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવની જગ્યા પર ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ના રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરાયાનું જાહેર કરાયું હતું.
જયારે આસી. રજિસ્ટ્રારના પદ પર ચિતલીયાભાઇની પસંદગી કરાયાનું પણ આ બેઠકમાં જાહેર કરાયું હતું. અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવની છેલ્લા લાંબા સમયથી ખાલી પડી હતી.
યુનિ.ના કુલસચિવની રેસમાં ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ના રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ના ડે. રજિસ્ટ્રાર મનીષભાઇ ધામેચા તથા સોમનાથ યુનિ.ના ડો. જાદવ રેસમાં હતા. યુનિ.ના કુલસચિવની જગ્યા ભરવા માટે તાજેતરમાં જ પસંદગી સમિતિ દ્વારા ઇન્ટરવ્યુ ગોઠવી ઉપરોકત ત્રણેય ઉમેદવારોનું પાણી ઇન્ટરવ્યુ સમિતિ દ્વારા પાણી માપવામાં આવેલ હતું.
જોકે યુનિ.ના કુલસચિવની જગ્યા માટે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ના રજિસ્ટ્રાર ડો.અજયસિંહ જાડેજાનું નામ અગાઉથી જ ફાઇનલ મનાતુ હતું. દરમિયાન આજે મળેલી યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠકમાં કુલસચિવ તરીકે ડો.અજયસિંહ જાડેજા અને ડે.રજિસ્ટ્રારના પદ પર ચિતલીયા ભાઇની પસંદગી કરાયનું જાહેર કરી તેના પર મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિ.ના કુલસચિવનો વહીવટ 10 વર્ષ સુધી ઇન્ચાર્જથી ચલાવાયો હતો. છેલ્લે વર્ષ ર0ર3માં કાયમી રજિસ્ટ્રાર તરીકે મ્યુ. કોર્પો.ની રૂપારેલીયાની નિમણુંક કરાયેલ હતી. પરંતુ તેઓએ માત્ર ચાર માસમાં જ રાજીનામુ ધરી દીધુ હતું.
દરમિયાન હવે યુનિ.ને નવા વર્ષે નવા કુલસચિવ તરીકે ડો.અજયસિંહ જાડેજાની પસંદગી થઇ છે. જેઓને સરકારની મંજૂરી લઇ નિમણુંકનો ઓર્ડર અપાશે. ડો. જાડેજા સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થી છે અને તેઓએ યુનિ.ના ફીઝીકસ ભવનમાંથી જ એમએસસીનો અભ્યાસ કરેલ છે આ ઉપરાંત તેઓએ આયુર્વેદ યુનિ.માં રજિસ્ટ્રાર તરીકે પણ સેવા આપી ચુકયા છે. જયારે ડે.રજિસ્ટ્રાર તરીકે જીજ્ઞેશ ચિતલીયાની પસંદગી કરાયેલ છે. જેઓને આજે જ ઓર્ડર આપી દેવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આજની આ બેઠકમાં કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે યુનિ.માં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની તમામ જગ્યાઓ આગામી દોઢ માસમાં જ ભરી દેવાશે.
