જામનગરમાં બ્રિજ પરથી પસાર થતા બાઈક સવારને પતંગની દોરીથી ઈજા

ધુંવાવમાંથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો

જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જોકે તેની તબિયત સુધારા પર છે. જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતો સમીર નામનો 42 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને દિગજામ સર્કલ થઈને આંબેડકર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એકાએક પતંગની દોરી તેના ગળામાં વીંટળાઈ ગઈ હતી, અને ડોકના ભાગે ઇજા થઈ હતી, અને લોહી લૂહાણ બન્યો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેનિીં તાકીદની સારવાર કરવામાં આવી હતી. જોકે તેની હાલત સુધારા પર હોવાથી તેને રજા આપી દેવામાં આવી છે.
ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો
બીજા બનાવમાં જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરા નું વેચાણ કરનારા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન જામનગર નજીક ધુંવાવમાં પતંગ અને દોરા નો વેપાર કરી રહેલા એક વેપારી દ્વારા પતંગ અને દોરા ના વેચાણ ની સાથે સાથે ચાઈનીઝ દોરા નું વેચાણ પણ થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ધુંવાવના વેપારી ફિરોજ ઉર્ફ મુન્નો જુમ્માભાઈ બાવવાણી ના કબજામાંથી પોલીસ તપાસ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરા વાળી ફીરકી મળી આવતાં કબજે કરી લેવામાં આવી છે, અને તેની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ