ભારતીય સંસ્કૃતિમાં પર્વો માત્ર તહેવાર નથી, પરંતુ ઈતિહાસ, સંસ્કાર અને સમાજજીવનની જીવંત પરંપરા છે. મકર સંક્રાંતિ એવો જ એક પાવન પર્વ છે, જે કોળી સમાજ માટે વિશેષ ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ દિવસે કોળી સમાજના ઇષ્ટ દેવ, મહાન ચક્રવર્તી ને દાનવીર રાજા શ્રી માંધાતા મહારાજનો પ્રાગટ્ય દિન આસ્થા અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે.
સતયુગથી ત્રેતાયુગ તરફનો સંક્રમણ કાળ
પૌરાણિક કથાઓ અનુસાર મહારાજા ઇક્ષવાંકુ સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા. જ્યારે સતયુગ પૂર્ણ થઈ ત્રેતાયુગનો આરંભ થતો હતો, ત્યારે માનવ વસતિમાં વધારો અને વહીવટી સરળતા માટે તેમણે સમગ્ર ધરતીને નવ રાજકીય ખંડોમાં વિભાજિત કરી. આ નવ ખંડ ધરતીના દરેક ખંડ પર પોતાના વંશજોને રાજા તરીકે નિયુક્ત કર્યા. આ સમયગાળાથી દેવયુગમાંથી રાજાયુગ તરફનું પરિવર્તન માનવામાં આવે છે.
યુવનાશ્ર્વ રાજા અને દિવ્ય અવતરણ
સૂર્યવંશી ક્ષત્રિય વંશની સતરમી પેઢીમાં રાજા યુવનાશ્વનો જન્મ થયો, જે અયોધ્યાના શાસક હતા. તેમની ધર્મપત્ની ગૌરીદેવીને સંતાન ન હોવાથી ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવવામાં આવ્યો. યજ્ઞપ્રસાદ રૂપે મળેલું મંત્રેલુ જળ અજાણતા રાજા યુવનાશ્વ દ્વારા પીવામાં આવ્યું. સમયાંતરે રાજાના શરીર પરથી એક દિવ્ય બાળકનો જન્મ થયો. ખગોળ શાસ્ત્ર મુજબ એ દિવસ મકર સંક્રાંતિનો હતો – સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો શુભ સમય. દેવરાજ ઇન્દ્રે બાળકને આશીર્વાદ આપતાં કહ્યું – માં દયાસ્તી (મા દૂધ પાય છે). આ શબ્દોથી બાળકનું નામ માંધાતા પડ્યું. આ રીતે મકર સંક્રાંતિના પાવન દિવસે મહાન માનવ શ્રી માંધાતા મહારાજનો પ્રાગટ્ય થયો.
કોલીય વંશ અને શિવ-શક્તિ ઉપાસના
સૂર્યવંશી ક્ષત્રિય વંશની અનેક શાખાઓમાંથી એક મહત્વપૂર્ણ શાખા કૌલ અથવા કોલીય વંશ તરીકે ઓળખાય છે. આ વંશ પ્રાચીન સમયથી શિવ-શક્તિના ઉપાસક રહ્યો છે. કોળી સમાજ પોતાની આ પરંપરાને આજે પણ જીવંત રાખે છે. આ કોલીય વંશમાં જ મહાપ્રતાપી, પરાક્રમી અને ન્યાયપ્રિય રાજા શ્રી માંધાતા મહારાજનો જન્મ થયો.
આજની પેઢી માટે સંદેશ
શ્રી માંધાતા મહારાજ માત્ર એક પૌરાણિક પાત્ર નથી, પરંતુ શૌર્ય, દાન, ન્યાય અને સંસ્કારનું જીવંત પ્રતીક છે.
