વિશ્ર્વબજારમાં સોનુ 4643 ડોલર થઈને 4602 તથા ચાંદી 93.50 થઈને 89.50 ડોલર
સોના-ચાંદીમાં તેજીની આગ વધુને વધુ સળગવા લાગી હોય તેમ આજે પણ ધરખમ ભાવવધારાથી નવા રેકોર્ડબ્રેક ભાવ જોવા મળ્યા હતા. ચાંદીના ભાવને ત્રણ લાખ અને સોનાના ભાવને દોઢ લાખથી થોડુ જ છેટુ રહ્યુ છે. ગતરાત્રે ભાવો સળગ્યા બાદ આજે જો કે પાછા પડયા હતા.
મુંબઈમાં કોર્પોરેશનની ચુંટણીને કારણે કોમોડીટી એકસચેંજ બંધ હતું. વિશ્ર્વસ્તરે મોટી વધઘટને કારણે ઘર-ઘરના ભાવ બોલાતા હતા.
રાજકોટમાં હાજર ચાંદી 289600 હતી. 19000નો ધરખમ ભાવવધારો હતો. મોડીરાત્રે ભાવ 2.96 લાખ સુધી પહોંચ્યો હતો. વિશ્ર્વબજારમાં રાત્રે ચાંદી 97.50 ડોલર થઈ હતી કે આજે બપોરે 88.97 ડોલર હતી. હાજર સોનુ 1,46,500 હતુ. રાત્રે ભાવ 147700થી ઉંચે ગયો હતો. વિશ્ર્વબજારમાં ભાવ ઉંચામાં 4646 થયા બાદ આજે બપોરે 4602 હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે કોમોડીટી એકસચેંજ બંધ હોવાથી ભાવ અનિશ્ર્ચિત છે. સાંજે ભાવનુ ચિત્ર સ્પષ્ટ થશે. બપોર સુધી ઘર-ઘરના ભાવ હોય તેવુ ચિત્ર હતું.
જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકા, ઈરાન તથા મીનલેન્ડને એક સાથે નિશાને લેવાની તૈયારીમાં હોવાના એંધાણથી માર્કેટ સળગ્યુ હતુ. પરંતુ ઈરાન નરમ પડયાના સંકેતોથી આજે ભાવ પાછા પડયા હતા. જો કે, ટેન્શન વિશેનુ સમગ્ર ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઉથલપાથલ અને અનિશ્ર્ચિત વધઘટનો દોર યથાવત રહી શકે છે. પ્રવર્તમાન ઉથલપાથલમાં વેપાર હજુ ઠપ્પ જ રહ્યા છે. કામકાજમાં અત્યંત સાવચેતી રાખવામાં આવી રહી છે.
