ભારત-ન્યૂઝીલેન્ડના આવતીકાલના મેચમાં લોખંડી બંદોબસ્ત: 400 હોમગાર્ડ જવાનને પણ ફરજ સોંપાઈ
આગામી તા.14 ને મકરસંક્રાંતિ ના દિવસે જામનગર રોડ પર આવેલા ખંઢેરી પાસે આવેલા નીરંજન શાહ ઇન્ટરનેશન સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ડે-નાઈટ વન-ડે મુકાબલો રમાનાર છે. જેને લઇ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટેડિયમની અંદર અને બહાર મળી 700 થી વધુ પોલીસ જવાનો અને 400 થી વધુ હોમગાર્ડ-ટીઆરબી જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભારત-ન્યુઝીલેન્ડ મેચને લઈ એસપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ આજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ મચેને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 700 થી વધુ પોલીસ જવાનો અને 400 થી વધુ હોમગાર્ડ-ટીઆરબી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉપરાંત ઉમેર્યું કે, દર વખત મેચ દરમિયાન જામનગર રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે આ વખત ટ્રાફિકજામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા મેચ જોવા આવનાર તમામને તાકીદ કરવામાં આવી છે. જો કોઈ મેચ જોવા આવનાર લોકો વાહન રોડ પર રાખશે તો પોલીસ દ્વારા આ વાહનો લોક અથવા ડિટેઇન કરી ટોઇંગ કરવામાં આવશે.
મકરસંક્રાતિના દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ હોય જેથી જાહેર રજાના કારણે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે, જેને લઇ સ્ટેડિયમ ફૂલ રહેવાની પૂરેપુરી શકયતા છે. મેચ જોવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આવનાર છે. ત્યારે મેચ દરમિયાન કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ઉપરાંત જણાવ્યું કે, મેચને લઇ સુરક્ષાની તમામ બાબતો અંગેની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. દર વખત મેચ દરમિયાન ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાતી હોય જે ખાસ કરીને મેચ શરૂ થતા પૂર્વે અને મેચ પુરો થયા બાદ કલાકો સુધી વાહનચાલકોની કતારો જોવા મળે છે ત્યારે ટ્રાફિકજામની આ સમસ્યાના ઉકેલ માટે આ વખત પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. મેચ જોવા આવનાર દરેક વાહનચાલકોએ ખાસ કરીને ફોર વ્હીલના ચાલકોએ પોતાના વાહન નક્કી કરેલા પાર્કિંગમાં જ રાખવા જો કોઇ પણ વાહન રોડ પર રાખશે તો પોલીસ દ્વારા તેમના વાહન લોક કરી દેવામાં આવશે અથવા ડિટેઇન કરવામાં આવશે. હોટલ સંચાલકોને પણ તાકીદ કરવામાં આવી છે જો મેચ દરમિયાન તેમના હોટલના પાર્કિગ એરિયા સિવાય રોડ પર વાહન પાર્ક કરવામાં આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત રહેશે. કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાશે તો પોલીસ દ્વારા તરત જ એકશન લેવામાં આવશે. ખેલાડીઓ માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મેચ દરમિયાન ડ્રોનનો ઉપયોગ થઇ શકશે નહીં. આ ઉપરાંત મેચ જોવા આવનાર પ્રેક્ષકોનું એન્ટ્રી ગેઇટ પર સઘન ચેકીંગ કરવામાં આવશે જેથી કરીને જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી કોઇ વસ્તુ મેદાન પર લઇને જવું નહીં અન્યથા કાર્યવાહી કરવામાં આવશે.
બંદોબસ્તમાં એલસીબી, એસઓજી, ઘોડેશ્વાર પોલીસ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની ટીમ, સીસીટીવી સર્વેલન્સની ટીમની પણ મદદ લેવાશે. જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશવાના તમામ ગેઈટ પર મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોરફ્રેમ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે.
