ઠંડીએ ધ્રુજાવ્યા, અમરેલી-જુનાગઢ સૌથી વધારે ઠંડા, રાજકોટ-પોરબંદરમાં પારો ગગડયો

અમરેલીમાં 6, જુનાગઢમાં 7.5 અને રાજકોટમાં ઠંડા પવનો વચ્ચે 8 ડિગ્રી તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાંતિ બાદ પણ તિવ્ર ઠંડીનો સપાટો યથાવત રહેવા પામ્યો હતો અને છ સ્થળોએ સિંગલ ડિઝીટ તાપમાન સાથે કડકડતી ઠંડી અનુભવાઇ હતી.
ખાસ કરીને આજે અમરેલીમાં ઠંડીએ બોકાસો બોલાવી દીધો હતો અને 6 ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડી શહેર રહેવા પામ્યુ હતું.
જયારે બીજા નંબરે 7.પ ડિગ્રી તાપમાન સાથે જુનાગઢમાં પણ સૌથી ઠંડો દિવસ રહેવા પામ્યો હતો. તો ગિરનાર પર્વત ઉપર 3 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા પર્વત ઉપર સોંપો પડી ગયો હતો.
ઉપરાંત રાજકોટ શહેરમાં 8.4 ડિગ્રી, પોરબંદરમાં 8.9, નલિયામાં 9.6 અને ડિસામાં 9.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
તેમજ ગોહિલવાડ પંથકમાં આજે સિઝનની સૌથી વધુ ઠંડી 10.6 ડીગ્રી નોંધાઈ છે.. આજે ગુરુવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટીને 10.6 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા હતું જ્યારે પવનની ઝડપ 6 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ઠંડી વધતા વાતાવરણ ઠંડુગાળ બની ગયું છે.
ઉપરાંત અમદાવાદ ખાતે 11.પ, વડોદરામાં 10, ભુજમાં 1ર.4, દમણમાં 13.4, દિવમાં 10.ર, દ્વારકામાં 1પ.7, ગાંધીનગરમાં 10.પ, કંડલામાં 11.પ, ઓખામાં 18.6, સુરતમાં 13.ર તેમજ વેરાવળ ખાતે 14.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જુનાગઢમાં ગઇકાલે મકરસંક્રાંતિના પાવન દિવસે વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. એકાએક તાપમાનનો પારો નીચે આવી જતા તાપમાનનો પારો પણ 10 ડિગ્રીની અંદર 8.4 ડિગ્રી આજે સવારે નોંધાયો હતો. તેની સામે મીનીમમ તાપમાનનો પારો નીચે ગગડીને 7.પ ડિગ્રીએ નીચે ઉતરી જતા જનજીવન ઉપર માઠી અસર જોવા મળી છે.
આજે વહેલી સવારે 6 કલાકે પારો ગગડી જવા પામ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. ગિરનાર પર્વત ઉપર 3 ડિગ્રીથી પણ નીચે તાપમાન આજે વહેલી સવારે નોંધાયુ છે. જેની અસર પ્રવાસીઓ પર પડવા પામી હતી. લોકો ઠુંઠવાઇ જવા પામ્યા છે. પશુ-પક્ષીઓમાં ઠંડીની અસર જોવા મળી છે. વાતાવરણમાં ભેજ વધીને 81 ટકા થઇ જવા પામ્યો છે. જયારે ઠંડો પવન પ્રતિકલાક 4.4 કિલોમીટરની ઝડપે ફુંકાઇ રહ્યો છે.
જામનગરમાં મકરસંકાતીના પર્વ ઉપર શિયાળાની સૂઝનમાં સો પ્રથમવાર સિંગલ ડિજિત લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં ફરી 1.5 ડિગ્રી વધીને ઠંડીનો પારો 10 ડિજિત પહોંચી ગયો હતો. આમ છતાં શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતા. ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો.જામનગર કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતી જાણકારી મુજબ લઘુતમ તાપમાન 10 ડિગ્રી અને મહતમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 63 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 3.5 કિમિ રહી હતી. ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ગગડયો છે. આ વચ્ચે આજે સવારે ઝાંકળ ઉતરી આવતા જનજીવન પ્રભાવિત બન્યું હતું.
ખંભાળિયા તાલુકામાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસભર્યો માહોલ સર્જાયો હતો. જેના પગલે વીઝબિલિટી ખૂબ જ ઘટી જવા પામી હતી. આ પરિસ્થિતિમાં ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘેરી ઝાંકળના પગલે હાઈવે પર દોડતા વાહનોની ગતિ મંદ રહી હતી.
ઝાકળ સાથે વાતાવરણ પણ ઠંડુગાર બની રહ્યું હતું અને ઉષ્ણતામાનનો પારો સિંગલ ડિઝીટ સુધી ગગડી આવ્યો હતો. ઠંડી તેમજ ધુમ્મસના પગલે અબાલ-વૃદ્ધો ઉપરાંત પશુ પક્ષીઓ પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

બગસરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વેટર અપાયા


બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલી શાળા નંબર 4 ના તમામ વિદ્યાર્થીઓને અમદાવાદના ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં શરીરના રક્ષણ હેતુથી ઉતરાયણ નિમિત્તે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. વિગત અનુસાર બગસરા શહેરમાં જેતપુર રોડ પર મફતપરા વિસ્તારમાં આવેલી શાળા નંબર 4 બગસરા શાળા માં અભ્યાસ કરતા 350 થી વધુ બાળકોને અમદાવાદના શેઠ ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ, રિલિજિયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગીરીશભાઈ પારેખ દ્વારા તેમના માતૃશ્રી યમુનાબેન સી. પારેખના સ્મરણાર્થે તમામ વિદ્યાર્થીઓને ઠંડીમાં શરીરના રક્ષણ માટે ઉતરાયણના દિવસે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.(તસવીર: હાર્દિક બામટા)

રિલેટેડ ન્યૂઝ