છકડો અને બાઇક અથડાતા બનેલો બનાવ: પત્નિ સારવારમાં
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક ઘાસપુર અને ફુલકી ગામ વચ્ચે બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના માંડલ તાલુકાના રખીયાણાના રહેવાસી જતીન ઠાકોર અને તેની પત્ની કોમલબેન ઠાકોર જૈઓ દસાડા તાલુકાના હરિપર ખાતે પત્નીના પિયર આવ્યાં હતા. જે બાદ મંગળ વારે સાંજે ફરી પોતાના રખીયાણા ગામ જઈ રહ્યા હતા. તે દરમિયાન ફુલકી ઘાસપુર વચ્ચે પુરપાટ રોગસાઈડથી દોડી આવતા છકડાએ તેઓની બાઈકને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ જતીન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેમની પત્નીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પાટડી પોલીસ મથકના સાગર કલોત્રા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે છકડા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ બેકાબૂ છકડો રોડ નીચે પલટી ખાઈ ગયો હતો.
