એફ.આર.પી કવર નેપાળમાં સપ્લાય કરવાના નામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ
સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને ફસાવી રૂપીયા પડાવી રહ્યાં છે. ત્યારે રાજકોટના કારખાનેદારને દરેક દેશમાં સપ્લાય માટે 22 ગાડી મેવોલ કવરની જરૂરિયાત છે કહીં રૂ.5300 ટ્રાન્સફર કરાવી ફ્રોડ આચર્યું હતું. જે મામલે શાપર પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટના મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં ગૌતમભાઈ મગનભાઈ રામાણી (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ પટેલ નામ ધારણ કરેલ વ્યક્તી (રહે.કાઠમંડુ, નેપાળ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ શાપર ખાતે રોયલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવે છે. જેમાં ટાંકાના ઢાંકણા બનાવે છે.
ગઇ તા. 29 ના બપોરના બે વાગ્યાની આસપાસ તેઓ અને તેમનો ભાઈ ચિરાગ રામાણી કારખાને હતા ત્યારે નંબર +9779700386108 પરથી ચિરાગ રામાણીને વોટ્સએપ કોલ આવેલ અને કહેલ કે, હુ કાઠમાંડુ (નેપાળ) થી વિશાલ પટેલ બોલું છું, અમે દરેક દેશમાં એફ.આર.પી. મેવોલ કવરની સપ્લાય કરીએ છીએ, તમે એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20 થી 22 ગાડી સપ્લાયની જરૂરીયાત છે.
અમે તમારી પાસેથી એફ.આર.પી, મૈવોલ કવર ખરીદ કરવા માંગીએ છીએ, તેમ વાત કરતા જેથી આટલી મોટી સપ્લાય કરવાથી ધંધાને વેગ મળે તેમ હોય માટે સપ્લાય કરવા સારૂ સંમતિ દર્શાવેલ હતી.
તેણે કહેલ કે, આ સપ્લાય ચાલુ કરવા માટે નેપાળ બોર્ડરની ગવન્ર્મેન્ટ એપ્રુવલ લેવા માટે તેમજ સર્ટીફીકેટ કઢાવવા તમારે ગવન્ર્મેન્ટ સાઇટ ઉપર ઓનલાઇન રૂ. 5300 પેમેન્ટ કરવું પડશે તેમ વાત કરતા ફરીયાદીએ હા પાડેલ અને વિશાલ પટેલે એક ક્યુ.આર.કોડ મોકલેલ જેમાં રૂપીયા ટ્રાન્સફર કરેલ ત્યારબાદ આ વિશાલ પટેલના નંબર પર અનેક વાર સંપર્ક કરેલ પરંતુ કોઇ સંપર્ક થઈ શકેલ નહી જેથી સાયબર ફ્રોડ થયેલનું લાગતા હેલ્પલાઇન નં. 1930 ઉપર અરજી કર્યા બાદ શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાયબર ગઠિયાને પકડી પાડવા તજવીજ આદરી હતી.
