જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આશાનું કિરણ બની : રોજની 1 હજારની ઓપીડી

સિવિલ હોસ્પિટલમાં 5000થી વધુ પ્રસૂતિ અને 25,000 ઓપરેશન થયા : 1 વર્ષમાં 4.90 લાખ દર્દીઓએ સારવાર લીધી

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આશાનું કિરણ બની છે અહીં વિવિધ રોગના દર્દીઓ માટે રોજની 1 હજાર જેટલી નિ:શુલ્ક ઓપીડી સારવાર લેવાઈ રહી છે તથા એક પણ પાઇ ચૂકવ્યા વગર સિવિલ હોસ્પિટલમાં 5000થી વધુ પ્રસૂતિ કરવામાં આવી છે તે સાથે 25,000 જેટલા વિવિધ રોગોના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે, જો વર્ષ 2025 ની જ વાત કરીએ તો એક વર્ષમાં 4.90 લાખ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, અહીંની સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓની સાથે આસપાસના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લાના જુનાગઢ નજીકના ગ્રામીણવિસ્તારના દર્દીઓ સારવાર અર્થે આવે છે. જેના કારણે હોસ્પિટલમાં સને 2025 ના વર્ષમાં તદન નિ:શુલ્ક 4.90 લાખ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. તથા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલી આયુષ ઓપીડીમાં 26,595 દર્દીઓએ સારવાર લીધી હતી. તેમજ 53,000 દર્દીઓને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી. અને 1 લાખ જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે,
આ સાથે વર્ષ 2025 દરમ્યાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં 5000 જેટલી મહિલાઓની ડીલીવરી કરવામાં આવી છે. તથા વર્ષ 2025 દરમ્યાન 7400 ખુબ ગંભીર પ્રકારના એટલે કે મેજર ઓપરેશન અને 18158 જેટલા માઈનોર ઓપરેશન મળી કુલ 25,484 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના અધીક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના વધુમાં જણાવ્યા પ્રમાણે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ઈમરજન્સી સારવાર અને વિવિધ રોગના નિષ્ણાતો દ્વારા તપાસની સેવા ઉપલબ્ધ છે. જેથી દરરોજની 1000થી વધુની ઓપીડી તપાસવામાં આવે છે, જેમાં દર્દીની પ્રાથમિક તપાસ અને જરૂરીયાત મુજબ દવા અને અન્ય સારવાર નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે, તથા દર્દીની સારવાર માટે જરૂરી એવા લેબોરેટરી ટેસ્ટ પણ અહીં કરી આપવામાં આવે છે. ત્યારે વર્ષ 2025 દરમ્યાન 50 હજારથી વધુ બ્લડ, યુરીન સહિતના વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેની સાથે 13,144 સીટી સ્કીન તથા 10,144 એમ.આર.આઈ. પણ થયા છે.
અહીં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વર્ષ 2025 માં 10 હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. 69,598 દર્દીઓને ફ્રીમાં એક્સરેની સુવિધાઓ આપવામાં આવી હતી.તથા 8414 દર્દીઓને સીટી-સ્કેન કરી આપવામાં આવ્યા હતા. ઉપરાંત અહીં દર્દીઓ 12 પ્રકારની સેવાઓનો મફત લાભ લઇ રહ્યા છે. આ સાથે અલગ-અલગ દિવસો નક્કી કર્યા મુજબ વિવિધ રોગના એમડી કક્ષાના નિષ્ણાત તબીબો દ્વારા પણ સિવિલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવે છે.
હોસ્પિટલની સારવાર સુવિધા અંગે ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ એ જણાવ્યું છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.ની વિવિધ કેટેગરીનાં કૂલ 100થી વધુ બેડ મળીને સિવિલમાં 600થી વધુ ઈન્ડોર સારવારની કેપેસીર્ટી છે. હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ, મેડીસીન વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, ઈ.એન.ટી. વિભાગ, દાંત વિભાગ, પીડીયાટ્રીક વિભાગ, આંખ વિભાગ, ટીબી અને ચેસ્ટ વિભાગ, સ્કીન, એનેસ્થેસિયા વિભાગ, આયુષ ઓપીડી, ફિજીયોથેરાપી સહીતનાં સ્પેશીયાલીટી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહી પી.એમ.એસ.એસ.વાય. હેઠળ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ, ઓપરેશન થીએટર. ડાયાલીસીસ સહિત ઇન્સેડોર સેવા પૂરી પાડવામાં આવે છે.

સુવિધામાં વધારો કરવા તંત્ર સજજ
દર્દીઓની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી 12 જેટલા અઘતન સુવિધાથી સજ્જ ઓપરેશન થીએટર તૈયાર થઇ રહ્યા છે, જેમાં 6 ઓપરેશન થીએટર સર્જરી વિભાગના ઓર્થો વિભાગ, ઈએનટી અને ગંભીર સારવાર માટે કાર્યરત કરવામાં આવશે, જ્યારે 6 ઓપરેશન થીએટર ગાયનેક વિભાગ માટે બની રહ્યા છે.
ટૂંકમાં કહીએ તો, જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવાર માટે આશાનું કિરણ બની છે, શહેર અને આસપાસના જિલ્લાઓની કોર્પોરેટ હોસ્પિટલોની ભરમાર વચ્ચે જૂનાગઢની સરકારી સિવિલ ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારનું વિશ્વાસ અને આશાનું કિરણ બની રહી છે, જેના કારણે સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

રિલેટેડ ન્યૂઝ