જૂના કોન્ટ્રાકટરે ફાળવેલ જગ્યા ખાલી નહી કરતા મુશ્કેલી થતી હોવાની રાવ
ધોરાજી શહેરમાં પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ મૃત પશુઓના હાડકાના વાડાની જગ્યા જુના કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી કરવામાં ન આવતી હોવાથી નવો ફાળવેલ કોન્ટ્રાક્ટરને અન્ય જગ્યાએ મૃત પશુઓના હાડકાનો નિકાલ કરવો પડે છે. જેને લઈને રહેણાક વિસ્તારમાં અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હોય આ પ્રશ્ને ધોરાજી સમસ્ત મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવા એ આંદોલનની ચીમકી ઉચ્ચારીને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. અશોકભાઈ સોંદરવા એ કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે વર્ષ 2026 માટે મૃત પશુઓના હાડકાના નિકાલ માટે નવો કોન્ટ્રાક અપાયેલ છે પરંતુ અમોને મળતી માહિતી મુજબ જુના કોન્ટ્રાક્ટર દ્વારા ફાળવેલ જગ્યા ખાલી કરવામાં ન આવતા નવા કોન્ટ્રાક્ટર દ્વારા મજબૂરન રહેણાક વિસ્તાર નજીક મૃત પશુઓના હાડકાનો નિકાલ કરવા ફરજ પડી રહી છે. જેને લઈને આ પ્રવૃત્તિ રહેણાંક વિસ્તાર નજીક બંધ થવી જોઈએ. રહેણાક વિસ્તાર આજુબાજુ માં હોવાથી બીમારીઓ ફેલાવાની શક્યતા રહે છે . ગંભીર બીમારીઓની સંભાવના પણ વધી જાય છે. આ બાબતે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆતો પણ કરેલી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી. આથી આ માંગણી અન્વયે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવા ફરજ પડશે. તેવું જણાવ્યું હતું.
