બ્રહ્મ સમાજ નિર્માણ કાર્યમાં સહભાગીદાતાઓ તથા અગ્રણીઓનું બ્રહ્મ સમાજે સન્માન કર્યું
ગીરના પાટનગર તાલાલા શહેરમાં વર્ષો પહેલા બંધાયેલ સમસ્ત બ્રહ્મ સમાજનો પુન: નવનિર્મિત કરવામાં આવ્યો…સુવિધાપૂર્ણ નિર્માણ થયેલ બ્રહ્મ સમાજ ભવનનું વિદ્યાવાચસ્પતિ ડો.મહાદેવપ્રસાદ મહેતાએ ઉદ્ઘાટન કરી સમાજને અર્પણ કર્યું હતું.સમાજના આ રૂડા અવસર દિપાવવા સોરઠભરમાંથી બ્રહ્મ સમાજના અગ્રિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાત વર્ષથી પડતર સમાજનો જીર્ણોદ્ધાર થવા બદલ ખુશી વ્યક્ત કરતા ડો.મહાદેવપ્રસાદજી એ જણાવ્યું હતું કે સમાજના અગ્રણીઓએ અનેક અવરોધો માંથી પસાર થઈને પણ બ્રહ્મ સમાજને સંપૂર્ણ સવલત સાથે નવનિર્મિત બનાવી સમાજ માટે એક નાનકડી પણ અમૂલ્ય સુવિધા ઉભી કરવા બદલ સમાજના પદાધિકારીઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.સાત વર્ષથી પડતર બ્રહ્મ સમાજની કાયાપલટ કરવામાં સમાજ સાથે નગરના અન્ય સમાજો પણ હોંશે હોંશે સહભાગી થયા છે તેની પણ નોંધ લઈ ડો.મહાદેવપ્રસાદજી એ સર્વ સમાજને બીરદાવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ શ્રીકૃષ્ણ ભગવાનના વિવિધ સાત નામના પ્રસંગોની સવિસ્તાર છણાવટ કરી હતી.
ભવ્ય બ્રહ્મ સમાજ નિર્માણ કાર્યમાં સહભાગી તમામ દાનવીરોનું બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ વ્યાસ તથા સમાજના અગ્રણીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યારબાદ સમસ્ત બ્રહ્મ સમાજના પદાધિકારીઓએ તાલાલા પંથકનું બ્રહ્મ રત્ન,સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય ડો.મહાદેવપ્રસાદજી નું પુષ્પોથી ભવ્ય અભિવાદન કર્યું હતું. સમારોહના પ્રારંભે જનસેવા ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કરી તમામ લોકોને ઉમળકાભેર આવકાર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું પ્રતિભાશાળી સંચાલન કમલેશભાઈ ભટ્ટે કર્યું હતું.છેલ્લે સમાજના અગ્રણી મહાશંકરભાઈ મહેતાએ આભાર દર્શન કરી સમાજના ગૌરવવંતા સમારોહનું સમાપન કર્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ લક્કડ,પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ,આહિર સમાજ પ્રમુખ ભીમશીભાઈ બામરોટીયા,લોકસાહિત્યકાર રાજાભાઈ ગઢવી,ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ પંડ્યા તથા રાજુભાઈ જોષી(વેરાવળ),સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ છેલભાઈ જોશી,પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી,વિવિધ સમાજના અનેક પદાધિકારીઓ,અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અવસરને દીપાવ્યો હતો.સમસ્ત બ્રહ્મ સમાજના પુન: નવનિર્મિત થતાં તાલાલા પંથક બ્રહ્મ સમાજમાં આનંદ છવાયો છે.
